અાઈટીઅાઈમાં ડિટેઇન થયેલા વિદ્યાર્થીઓને રિએડમિશનનો લાભ

અમદાવાદઃ રાજ્યભરની આઇટીઆઇમાં અભ્યાસ કરતા હજારો  વિદ્યાર્થીઓને રાહત આપતા  સમાચાર ગાંધીનગરની રોજગાર અને તાલીમ નિયામકની કચેરીએ પરિપત્ર દ્વારા જાહેર કર્યા  છે. તે મુજબ હવે ડિટેઇન થયેલા વિદ્યાર્થીઓને રિ એડમિશનનો લાભ મળશે. ૮૦ ટકાથી ઓછી હાજરીને કારણે રાજ્યભરમાં કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દીધા હતા  જેથી તેઓ ડિટેઈન થયા હતા હવે આવા ડિટેઈન થયેલા  વિદ્યાર્થીઓને સુપરન્યુમરી બેઠકો પર પ્રવેશ લઇ શકશે. રાજ્યભરની આઇટીઆઇમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને અનુલક્ષીને ગાંધીનગરની રોજગાર અને તાલીમ નિયામકની કચેરીએ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ, ૮૦ ટકાથી ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસતા અટકાવાયા હોય એવા એક્સ વિદ્યાર્થીઓને સુપરન્યુમરી બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. જે અન્વયે ઓગસ્ટ ૨૦૧૩માં પ્રવેશ મેળવેલ તૃતીય, ચોથા સેમેસ્ટરના, ઓગસ્ટ ૨૦૧૪માં પ્રવેશ મેળવેલ પ્રથમ, બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પૈકી હાજરીને કારણે આગામી પરીક્ષામાં જેઓનો સમાવેશ કરવામાં આવેલ ન હોય એવા વિદ્યાર્થીઓને તે જ સંસ્થાના તે જ ટ્રેડમાં સુપરન્યુમરી બેઠકો પર પ્રવેશ માટે પ્રાધાન્ય આપી મેરિટના ધોરણે પ્રવેશ આપવાનો રહેશે. તે માટે ઓગસ્ટ ૨૦૧૫માં ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. દર વર્ષની જેમ પ્રવેશ કાર્યવાહી કરવાની સાથે ટ્રેડવાઇઝ સુપરન્યુમરી બેઠકો ઉપર આવા ઉમેદવારોએ અગાઉ જે ટ્રેડમાં પ્રવેશ મેળવેલ હશે તે જ ટ્રેડમાં મેરિટ આધારીત પ્રવેશ આપવાનો રહેશે.
You might also like