અાઈઅાઈએમ રોડ પર રાત્રે જોખમી સ્ટંટ કરતા બાઈકર્સનો અાતંક

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર આઇઆઇએમ રોડ પર રાત્રિના સમયે મોંઘીદાટ બાઇકો લઇને યુવાનો સ્ટંટ કરતા હોય છે, જેના કારણે ઘણી વખત અકસ્માતો સર્જાય છે તેમજ ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ ઊભો થાય છે. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત યુનિવર્સિટી પોલીસ એક્શનમાં આવી છે અને આવા સ્ટંટ કરતા બાઇકર્સ સામે કડક કાર્યવાહી કરી અને તેઓની સામે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવવા બદલ ગુનો નોંધી કાર્યવાહી કરશે.

ખાસ કરીને શનિ રવિ તેમજ આડા દિવસોમાં આઇઆઇએમ રોડ પર મોડી રાત્રિ સુધી લોકોનો જમાવડો હોય છે ત્યારે કેટલાક નબીરાઓ મોંઘીદાટ બાઇકો લઇ અને રોડ પર પૂરપાટ ઝડપે ચલાવી અને સ્ટંટ કરતા હોય છે, જેથી અકસ્માતના બનાવો બનતા હોય છે. ખાસ કરીને ત્યાંથી ટુ વ્હિલર લઇને પસાર થતાં વાહનચાલકોમાં ભયનો માહોલ ઊભો થાય છે.

સ્ટંટ કરતાં બાઇકર્સ એકદમ જ પૂરપાટ ઝડપે બાજુમાંથી બાઇક લઇને નીકળતા વાહનચાલકો ગભરાઇ જાય છે અને તેઓ વાહન પરથી કાબૂ ગુમાવી દે છે. હવે આવા સ્ટંટ કરતા બાઇકર્સ સામે કડક કાર્યવાહી કરવા ગુજરાત યુનિ. પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ સ્ટેશનના તમામ પીએસઆઇ તેમજ રોડ સ્ક્વોડ દ્વારા આઇઆઇએમ રોડ પર રાત્રિના સમયે સતત પેટ્રોલિંગ કરશે અને જે પણ આવા સ્ટંટ કરતા અને પૂરપાટ ઝડપે અને બેદરકારીભરી રીતે બાઇકર્સ નજરે પડશે તેની સામે કડક કાર્યવાહી કરી અને ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી પીઆઇ એમ.એમ. રાજ્યગુરુએ જણાવ્યું હતું કે અગાઉ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી સ્ટંટ કરવા જતા વાહનચાલકો દ્વારા અકસ્માતના બનાવો બનતા હવે આઇઆઇએમ રોડ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાશે અને આવા વાહનચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરાશે.

You might also like