અશ્વિન ઓલરાઉન્ડરની કમી પૂરી કરશેઃ વિરાટ

ચેન્નઈઃ ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ આર. અશ્વિનની બેટિંગ ક્ષમતાઓમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે ભારતીય ટીમને ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં જે ઓલરાઉન્ડરની તલાશ છે તે તામિલનાડુનો આ સ્પિનર પૂરી કરી શકે છે. કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ત્રણ ટેસ્ટની શ્રેણી માટે રવાના થતાં પહેલાં કહ્યું, ”અશ્વિન, ભુવનેશ્વર અને ભજ્જી સારી બેટિંગ કરી લે છે. અશ્વિનની ટેસ્ટ સરેરાશ ૪૦ રનની છે અને મને એવું કોઈ કારણ નજરે નથી પડતું જેના પરથી કહી શકાય કે ટીમમાં ઓલરાઉન્ડરની કમી છે. આ એક પડકાર છે. તમારે ટેસ્ટ મેચ જીતવા માટે મજબૂત બોલિંગ આક્રમણ સાથે રમવું પડે છે. અમે ત્રણ સ્પિનર્સ સાથે રમીએ એવી શક્યતા વધુ છે. અમારું લક્ષ્ય ૨૦ વિકેટ હાંસલ કરવાનું છે. અાના માટે અમારે સર્વશ્રેષ્ઠ બોલિંગ સાથે મેદાનમાં ઊતરવાનું છે. પાંચ બોલર્સ સાથે રમવાનો અર્થ એ થયો કે છ બેટ્સમેનોએ વધુ જવાબદારી ઉઠાવવી પડશે.”

આ ઉપરાંત કોહલીએ કહ્યું હતું કે, ”શ્રીલંકા સામેની શ્રેણીમાં અમને અમારી કેટલીક રણનીતિઓ અજમાવવાની તક મળશે.”

સમય બહાનાં બનાવવાનો નહીં, શ્રીલંકામાં લડવાનો છેઃ રોહિત

મધ્યમ ક્રમના બેટ્સમેનો રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ જણાવ્યું છે કે વિદેશી ધરતી પર ટેસ્ટમેચમાં ભારતના કંગાળ પ્રદર્શન અંગે બહાનાં બનાવવાનો સમય ઘણા સમય પહેલાં સમાપ્ત થઈ ચૂક્યો છે અને ટીમ  હવે નવા પડકારો માટે તૈયાર છે. રોહિતે કહ્યું કે, ”વિરાટના નેતૃત્વવાળી ટીમના પરિવર્તનનો સમય ઘણા સમય પહેલાં સમાપ્ત થઈ ચૂકયો છે અને ટીમ શ્રીલંકા વિરુદ્ધ આગામી ટેસ્ટ શ્રેણી માટે સંપૂર્ણપણે તૈયાર છે. જ્યારે અમે વિન્ડીઝનો પ્રવાસ પૂરો કર્યો અને ૨૦૧૩માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા ત્યારે એ પડકાર હતો. ત્યાર બાદ અમે ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ગયા અને અમે જાણતા હતા કે ઘણા મોટા ખેલાડીઓએ નિવૃત્તિ લેવાને એ પ્રવાસ પડકારજનક બન્યા હતા. અમે એ પડકારોનો મુકાબલો કર્યો. હવે અમે એવું કોઈ બહાનું ના બનાવી શકીએ કે અમે હજુ પણ શીખી રહ્યા છીએ. હવે લડવાનો સમય છે. અમારે શ્રીલંકામાં લડવું પડશે.”

You might also like