અશ્વિનનો તરખાટઃ શ્રીલંકા માત્ર ૧૮૩માં જ આઉટ

ગાલે: ગાલેમાં શરૂ થયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સ્પીનર અશ્વિનના જોરદાર તરખાટ સામે શ્રીલંકાના બેટ્સમેનોએ શરણાગતિ સ્વિકારી લીધી હતી. શ્રીલંકાની ટીમ તેના પ્રથમ દાવમાં ૧૮૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન એન્જેલો મેથ્યુસે સૌથી વધુ ૬૪ રન કર્યા હતા. જ્યારે ચાંડીમલે ૫૯ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સ્ટાર બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. આધારભૂત બેટ્સમેન કુમાર સંગાકારા માત્ર ૫ રન કરી આઉટ થયો હતો. જ્યારે થીરીમાને ૧૩ રન કરી શક્યો હતો.અશ્વિને ૪૬ રન આપીને છ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના બેટ્સમેનો મેદાન ઉપર ઘરઆંગણે માત્ર ૪૯.૪ ઓવર ટકી શક્યા હતા. ભારત તરફથી અશ્વિન ઉપરાંત મિશ્રાએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે ઈશાંત શર્મા અને વરૂણ આરોને ૧-૧ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના પ્રથમ દાવમાં ૧૮૩ રનના જવાબમાં પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બે વિકેટ ગુમાવીને ૧૨૮ રન કર્યા હતા. ભારત તરફથી રાહુલ ૭ અને રોહિત શર્મા ૯ રન કરીને આઉટ થયા હતા. આજની રમત બંધ રહી ત્યારે શિખર ધવન ૫૩ અને વિરાટ કોહલી ૪૫ રન સાથે રમતમાં હતા. ભારત હવે ૫૫ રન પાછળ છે અને તેની આઠ વિકેટ હાથમાં છે.૨૦૧૦ બાદથી ઘરઆંગણે રમાયેલી શ્રેણીમાં શ્રીલંકાની જીત હારનો રેકોર્ડ ૩-૩નો રહ્યો છે. જેમાં શ્રીલંકાએ પાકિસ્તાનને બે વખત અને બાંગ્લાદેશને એક વખત હાર આપી છે. તેની પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સામે એક-એક ટેસ્ટમાં હાર થઇ છે.  ભારત, વેસ્ટઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ સામે તેની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. ૨૦૦૫ અને ૨૦૦૯ વચ્ચે શ્રીલંકાનું પ્રભુત્વ ઘરઆંગણે વધારે જોરદાર રહ્યું  છે જે પૈકી નવ ટેસ્ટ શ્રેણીમાંથી આઠ ટેસ્ટ શ્રેણીમાં તેની જીત થઇ હતી. ગાલેમાં આઠ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની જીત હારનો રેકોર્ડ ૪-૩નો રહ્યો છે. જૈ પૈકી શ્રીલંકાએ પાકિસ્તાનને બે વખત, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને એક-એક વખત હાર આપી છે જ્યારે તેની આ ગાળા દરમિયાન આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે હાર થઇ છે.  ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાયેલી ત્રણેય ટેસ્ટ મેચોમાં પરિણામ આવ્યા છે. એકંદરે ગાલેમાં રમાયેલી મેચો પર નજર કરવામાં આવે તો શ્રીલંકાએ ૨૫ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી ૧૩માં જીત અને ૬માં હાર થઇ છે. છ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. ભારતે આ મેદાન ઉપર ત્રણ ટેસ્ટ મેચ રમી છે જે પૈકી એકમાં જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કર્યો છે.  ગઇકાલે સવારે શ્રીલંકાના કેપ્ટન મેથ્યુસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે આત્મઘાતી પુરવાર થયો હતો. શ્રીલંકાના કોઈપણ બેટ્સમેનો ભારતના સ્પિનર અશ્વિન સામે ટકી શક્યા નહતા અને નિયમિત ગાળામાં વિકેટો ગુમાવી હતી. જેના પરિણામ સ્વરૂપે શ્રીલંકા જંગી સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ભારતીય બોલરો પ્રથમ દિવસે સંપૂર્ણપણે અસરકારક સાબિત થયા હતા.
 

You might also like