અશાંત ગુજરાત : પેકેજની જાહેરાત બાદ ભાજપ કાર્યકરો અને પાટીદારો વચ્ચે ધર્ષણ

અમદાવાદ : મુખ્યમંત્રી દ્વારા સ્વર્ણો માટે આર્થિક પેકેજની જાહેરાત કરાઇ હતી. જેનાં સ્વાગત માટે ભાજપનાં કાર્યકરો દ્વારા વિવિધ સ્થળો પર આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે આ રાહત પેકેજને હાર્દિક પટેલ દ્વારા લોલીપોપ ગણાવવામાં આવ્યું હતું. સાથે સાથે આંદોલન પણ ચાલુ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેનાં પગલે પાટીદારોનાં મુદ્દે ફરી એકવાર વાતાવરણ તંગ બની ગયું હતું. સૌથી મહત્વની બાબત છે કે હાર્દિક દ્વારા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કર્યાનાં ગણત્રીનાં સમયમાં સુરતમાં છમકલું પણ થયું હતું.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર ભાજપનાં કાર્યકરો દ્વારા આનંદીબહેન પટેલની જાહેરાત બાદ ઉજવણીનાં ભાગરૂપે આતશબાજી કરવામાં આવી રહી હતી.સુરતનાં વરાછા વિસ્તારમાં મિનીબજાર ખાતે માનગઢ ચોકમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે જ સમયે અચાનક પાટીદારોનું એક ટોળુ ધસી આવ્યું હતું. આ ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે પોલીસે ટીયરગેસનાં સેલ અને હળવા લાઠીચાર્જ દ્વારા પરિસ્થિતી થાળે પાડી હતી. ઉપરાંત આ વિસ્તારમાં એસટી બસોની વધારે અવર જવર થતી રહેતી હોય છે. જેનાં કારણે પોલીસે સુરત ડેપોને આ વિસ્તારમાં આવતી તમામ બસોને અટકાવવા અથવા તો પછી અન્ય રસ્તેથી પસાર થવાની સુચના આપી હતી. 

ભાજપ દ્વારા આનંદી બહેનનાં રાહત પેકેજની ઉજવણી કરાઇ રહી હતી. જેમાં ભાજપનાં આગેવાનો ઉપરાંત ધારાસભ્ય હર્ષ સંધવી પણ હાજર હતા. ઉજવણી ચાલી રહી હતી ત્યાં અચાનક ધસી આવ્યું હતું. ટોળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેનાં પગલે વાતાવરણ તંગ થઇ ગયું હતું. પોલીસે ટીયરગેસનાં શેલ છોડીને હળવો લાઠીચાર્જ કરીને પરિસ્થિતી થાળે પાડી હતી. 

જો કે ભાજપ દ્વારા દરેક નાના મોટા શહેરોમાં ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જો કે આ ઉજવણી મોટાભાગનાં વિસ્તારોમાં ધર્ષણપુર્ણ રહી હતી. ભાવનગર, મહેસાણા, સુરત સહિતનાં વિવિધ વિસ્તારોમાં પાટીદારો અને ભાજપનાં કાર્યકરો વચ્ચે ધર્ષણની ઘટનાઓ બની હતી. 

You might also like