અલગતાવાદી નેતા શબ્બીરની દિલ્હીમાં અટકાયત કરાઈ

નવી દિલ્હીઃ ભારત-પાક. એનએસએ સ્તરની બેઠક અગાઉ એક નવા ઘટનાક્રમમાં કાશ્મીરના અલગતાવાદી નેતા શબ્બીર શાહને આજે દિલ્હી વિમાનીમથકે પહોંચતા જ અટકમાં લેવાયા હતા. તેમને આવતીકાલે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજને મળવા દેવામાં આવશે નહીં. 

શ્રીનગરથી આવેલા શબ્બીર શાહ જેવા વિમાનમાંથી ઉતર્યા કે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ તેમની તરત જ પૂછપરછ કરી હતી અને પૂછ્યું હતું કે દિલ્હીમાં તેઓ ક્યાં રોકાશે.પાછળથી તેઓ જ્યાં રોકાવાના હતા તે સ્થળે પણ તેમને લઈ જવાયા હતા. 

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે શબ્બીરને કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. શાહ અન્ય બે નેતાઓ મોહમ્મદ અબ્દુલ્લા તારી અને જમીર એહમદ શેખની સાથે દક્ષિણ દિલ્હીના એક ગેસ્ટ હાઉસમાં રોકાવાના છે અને આ ત્રણેને ગેસ્ટહાઉસમાં જ રોકાઈ રહેવું પડશે. તેમના સહયોગી જમીરે જણાવ્યું હતું કે તેમણે જે ગેસ્ટહાઉસમાં તેમનું બુકિંગ કરાવ્યું હતું ત્યાં તેમને લઈ જવાયા હતા અને અધિકારીઓએ ખૂબ નરમાશથી શાહને કહ્યું હતું કે તેઓ શ્રીનગર પાછા ફરવા માટે સ્વતંત્ર છે. 

શ્રીનગરથી રવાના થતાં અગાઉ શાહે જણાવ્યું હતું કે શબ્બીરને મળવાની તેમની ઈચ્છા છે. તેમણે કહ્યું કે તેઓ ભારતની પ્રજાને પૂછવા માંગે છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, તેમના નેતા એલ કે અડવાણી અથવા મનમોહનસિંહ શું ખોટા હતા કે તેમણે પાકિસ્તાની અધિકારીઓ ભારત આવે ત્યારે અમને તેમને મળતા ક્યારેય અટકાવ્યા નહોતા.

 

You might also like