અલગતાવાદીઓને પાક.ના આમંત્રણથી ભારત નારાજ

નવી દિલ્હીઃ આગામી ૨૩મી ઓગસ્ટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો(એનએસએ) ની વાટાઘાટો અગાઉ પાકિસ્તાને કાશ્મીરના અલગતાવાદી નેતાઓને વાતચીત માટે આપેલા આમંત્રણ સામે ભારતે ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે તેવા સંજોગોમાં ભારત સરકાર તેનો યોગ્ય જવાબ આપશે. ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો(એનએસએ) ની વાટાઘાટો અગાઉ પાકિસ્તાનેે નવો પેંતરો અજમાવ્યો છે.

ભારત દ્વારા અગાઉ કરવામાં આવેલા વિરોધની અવગણના કરીને આ બેઠક અગાઉ કાશ્મીરના અલગતાવાદી નેતાઓને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. જોકે, તેવા સંજોગોમાં ભારત સરકાર પણ તેનો યોગ્ય જવાબ આપશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. દરમ્યાન પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના ઉકેલ માટે પાકિસ્તાને યુએન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ને હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો હતો. 

એનએસએ સરતાઝ અજીજને મળવા કાશ્મીરી અલગતાવાદીઓને પાકિસ્તાનના હાઈકમિશનના આમંત્રણથી લાલઘુમ થયેલા ભારતે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જો તેમની સાથે વાતચીત સાથે પાકિસ્તાન આગળ વધશે તો ભારત યોગ્ય રીતે જવાબ આપશે. જોકે, મંત્રણા રદ કરવામાં આવશે કે કેમ તેને લઈને હજુ સુધી કોઈ વાત કરવામાં આવી નથી. પરંતુ પાકિસ્તાન ઉપર કેટલીક શરતો લાગુ કરવામાં આવી શકે છે. પાકિસ્તાની હાઈકમિશને કાશ્મીરી અલગતાવાદી નેતાઓને આમંત્રણ આપ્યું છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારત આવી રહ્યા છે. વાતચીત પહેલાં જ પાકિસ્તાને આ આમંત્રણ આપ્યું છે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ, ભારતનો જવાબ બિલકુલ યોગ્ય રહેશે. પાકિસ્તાનમાં રહેલા કેટલાક લોકો ભારત-પાકિસ્તાન મંત્રણા યથાવતરીતે આગળ વધે તેને લઈને નાખુશ છે, જેથી ભારત વિરોધી પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. આ મંત્રણા મોકુફ કરવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે વાતચીત યોજાય તે પહેલાં જ પાકિસ્તાને ફરી એકવાર ઉશ્કેરણીજનક કૃત્ય કર્યું છે. ભારત તરફથી ભૂતકાળમાં કરવામાં આવેલા વિરોધને નજર અંદાજ કરીને નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈકમિશને તેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાઝ અજીજને મળવા કાશ્મીરી અલગતાવાદી નેતાઓને આમંત્રણ આપ્યું છે. ૨૩મી ઓગસ્ટના દિવસે એનએસએસ્તરની વાતચીત યોજાનાર છે. આ પહેલા જ વાતચીત ઉપર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. મળેલી માહિતી મુજબ, પાકિસ્તાની હાઈકમિશને કાશ્મીરી અલગતાવાદીઓને સરતાઝ અજીજ સાથે વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું છે. હુર્રિયતના બન્ને વર્ગના અધ્યક્ષ સહિત અલગતાવાદી નેતાઓને આમંત્રણ આપ્યું છે.પાકિસ્તાની હાઈકમિશને અલગતાવાદી નેતા સૈયદઅલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારુક, યાસિન મલિકને ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. એનએસએસ્તરની વાતચીત બાદ સરતાઝ અજીજના રિસેપ્શનમાં સામેલ થવા માટે અલગતાવાદી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેમના પાકિસ્તાની સમકક્ષ સરતાજ અજીજ સાથે ૨૩મી ઓગસ્ટના દિવસે મહત્વપૂર્ણ બેઠક યોજનાર છે. ગિલાનીના નેતૃત્વમાં એક વર્ગના પ્રવક્તા અયાઝ અકબરે કહ્યું છે કે, અધ્યક્ષ સૈયદઅલી શાહ ગિલાનીને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાઝ અજીજ સાથે વાતચીત માટે આમંત્રણ મળ્યું છે. હુર્રિયત કોન્ફરન્સની બેઠકમાં આમંત્રણને સ્વિકાર કરવાનો નિર્ણય કરાયો છે. અકબરે કહ્યું છે કે, પાકિસ્તાનના પગલાનું તેઓ સ્વાગત કરે છે. કાશ્મીર મુદ્દા વગર ભારત સાથે કોઈ વાતચીત થશે નહીં, તેઓ મત પાકિસ્તાને ફરી એકવાર વ્યક્ત કર્યો છે. મિરવાઈઝના નેતૃત્વમાં વર્ગના પ્રવક્તાએ કહ્યું છે કે, આ મુદ્દા ઉપર નિર્ણય લેવા અમે બેઠક કરવા જઈ રહ્યા છીએ.

એમ માનવામાં આવે છે કે, એનએસએ સ્તરની વાતચીતમાં ગુરદાસપુરના આતંકવાદી હુમલા, દાઉદને સોંપવા, મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ સામે તપાસ પ્રક્રિયાને ઝડપી કરવા સહિતનો મુદ્દો ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત લખવીને સજા કરવાનો મુદ્દો પણ ભારત ઉઠાવશે. ૨૩મી અને ૨૪મી ઓગસ્ટના દિવસે આ વાતચીત થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાન સાથે વિદેશ સચિવ સ્તરની મંત્રણા રદ કરી દીધી હતી. કારણકે, ભારત સાથે વાતચીત પહેલાં પાકિસ્તાનને કાશ્મીરી અલગતાવાદીઓ સાથે વાતચીત કરી હતી. જેથી ભારતે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. બીજીબાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહાએ પણ એનએસએસ્તરની વાતચીતનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે હિંસા અને વાતચીત એકસાથે થઈ શકે નહીં.

 

You might also like