અમેરિકામાં વૃદ્ધ શીખને અાતંકી લાદેન કહીને ઢોર માર માર્યો

શિકાગોઃ અમેરિકામાં શિકાગોમાં એક વૃદ્ધ શીખને ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં અાવ્યો. હેટ ક્રાઈમનો શિકાર થયેલી અા વ્યક્તિને અાતંકવાદી અને બિન લાદેન પણ કહેવામાં અાવ્યો. એક દિવસ બાદ અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બરના હુમલાની વરસી છે. હુમલાનો શિકાર થયેલા શીખનું નામ ઇન્દરજિતસિંહ મુક્કર છે.  સૂત્રોના જણાવ્યા મુજબ શીખ વૃદ્ધ મંગળવારે હુમલાખોરોનો શિકાર બન્યો. અમેરિકી નાગરિક મુક્કરનાં બે બાળકો પણ છે.  

ઇન્દરજિતસિંહ પર હુમલો કરી રહેલા લોકોઅે તેને કારમાંથી ખેંચી લીધા અને જાતીય ટિપ્પણી કરતાં તેમને મારવાનું શરૂ કર્યું. તેની સાથે જ તેમને ‘અાતંકવાદી તમારા દેશ પાછા જાવ લાદેન’ એવું કહેવામાં અાવ્યું. હુમલાના સમયે તેઅો એક કરિયાણાની દુકાન સુધી જઈ રહ્યા હતા. શીખોના સંગઠન શીખ કોલિશન દ્વારા મળેલી જાણકારી મુજબ અા દરમિયાન એક કાર તેમની કારથી અાગળ નીકળવાની કોશિશ કરી રહી હતી.

તેમને પોતાની કાર સાઈડમાં કરીને બીજી કારને અાગળ નીકળવાનો ઇશારો કર્યો પરંતુ ડ્રાઈવરે અચાનક જ તેમની ગાડીની અાગળ પોતાની કાર ચલાવી દીધી અને તેમને કારમાંથી ખેંચી લીધા.

ત્યારબાદ હુમલાખોરોઅે તેમના મોં પર મુક્કા મારવાના શરૂ કર્યા. મુક્કર બેહોશ થઈ ગયા અને તેમના ચહેરા પરથી લોહી નીકળવા લાગ્યું અને ચહેરાના હાડકાંમાં ફેક્ચર પણ થઈ ગયું. તેમને તરત જ એક હોસ્પિટલ લઈ જવાયા. છ ટાંકા પણ અાવ્યા. મુક્કરના શંકાસ્પદ હુમલાખોરોને પોલીસે પકડી લીધા છે. શીખ કોલિશની લિગલ ડિરેક્ટર હરમિશમન કૌરે કહ્યું કે મુક્કરને તેમની શીખ ધાર્મિક અોળખના કારણે નિશાન બનાવાયા હતા.

You might also like