અમેરિકાની કોર્ટે સોનિયા ગાંધી સામેનો કેસ રદ કર્યો

ન્યૂયોર્ક: ૧૯૮૪ના સિખ રમખાણોના સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે દાખલ કરાયેલા એક કેસને રદ કરવાના અમેરિકાના ડિસ્ટ્રીક્ટ જજના હુકમને અમેરિકાની અપીલ કોર્ટે એમ કહીને બહાલી આપી હતી કે અરજીમાં કોઈ નક્કર વાત નથી.  હકીકતે ૧૯૮૪ના સિખ રમખાણોના મામલામાં એક સિખ જૂથે સોનિયા ગાધી સામે  માનવ અધિકારના ભંગનો એક કેસ દાકલ કરવામાં આવ્યો હતો. અપીલ કોર્ટના ત્રણ જજોની પેનલે ચુકાદો સંભળાવ્યો હતો કે સિખ ફોર જસ્ટિસ (એસએફજે) એ પોતાના કેસમાં જે દલીલો રજૂ કરી છે તેમાં કોઈ દમ નથી.પેનલે ૯ જૂન, ૨૦૧૪ના રોજ  ડિસ્ટ્રિક્ટ જજના હુકમને માન્ય રાખ્યો હતો.ડિસ્ટ્રીક્ટ જજ બ્રાયન કોગને આ કેસ કોર્ટના ન્યાયક્ષેત્રમાં ન આવતો હોવાને લીધે ફરિયાદ રદ કરવા સંબંધિત સોનિયા ગાંધીએ આપેલા નિવેદનનો સ્વીકાર કર્યો હતો. ત્રણ જજોની પેનલે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે કેસ વિશે પૂરતી વિચારણા કર્યા બાદ ચુકાદો આપવામાં આવે છે કે ડિસ્ટ્રીક્ટ કોર્ટના હુકમને માન્ય રાખવામાં આવે છે.સોનિયા ગાંધીના વકીલ રવિ બત્રાએ અદાલતના હુકમને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કોર્ટે સોનિયા ગાંધી સામેના કેસને રદ કરીને એક દેશના સાર્વભૌમત્વને જાળવી રાખ્યું છે. એક નિવેદનમાં તેમણે કહ્યું  કે સોનિયા ગાંધી તથા અન્ય નેતાઓ કે જેમની સામે ન્યાયસંગત કારણ, કાનૂની અધિકાર અને પાયા વિના કેસ નોંધાવવામાં આવ્યો હતો તે તમામની એસએફજેએ જાહેર માફી માગવી જોઈએ. બીજી બાજુ એસએફજેના કાનૂની સલાહકાર ગુરપતવંત સિંહ પન્નુને કહ્યું  કે એસએફજે ફૂલ બેંચ સમક્ષ ફેરસુનાવણી માટે એક અરજી દાખલ કરશે. એસએફજેએ ૨૦૧૩માં સોનિયા ગાંધી સામે કેસ દાખલ કરાવતા આરોપ મૂક્યો હતો કે તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં ભડકેલા સિખ વિરોધી રમખાણોમાં કહેવાતી રીતે કોંગ્રેસના નેતાઓનો બચાવ કર્યો હતો. કોર્ટે તેના હુકમમાં કહ્યું હતું કે સોનિયા ગાંધી સિખ વિરોધી  રમખાણો માટે જવાબદાર છે તેવું સાબિત કરવામાં એસએફજે નિષ્ફળ રહ્યું હતું.
 
You might also like