અમેરિકાના મૂવી થિયેટરમાં ફાયરિંગઃ ત્રણ વ્યક્તિનાં મોતઃ આઠ જખમી

ન્યૂયોર્કઃ અમેરિકાના લુસિયાના પ્રાંતના લાફીએટમાં ગુરુવારે મોડી રાત્રે એક મૂવી થિયેટરમાં ફાયરિંગ થતાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને આઠ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બે મૃતકોમાં ફાયરિંગ કરનાર શખ્સનો પણ સમાવેશ થાય છે. એવા પણ અહેવાલો છે કે થિયેટરની બહાર ફાયરિંગ કરનાર હુમલાખોરે સ્વયંને ગોળી મારી દીધી હતી.

પ્રારંભિક અહેવાલો અનુસાર આ હુમલા પાછળ કોઇ સંગઠનનો હાથ છે કે કેમ? તે જાણવા મળ્યું નથી. આ હુમલા પાછળનો મકસદ પણ જાણવા મળ્યો નથી. આ ઘટના સ્થાનિક સમય અનુસાર સાંજે ૭-૩૦ કલાકે બની હતી.

જ્હોન્સન સ્ટ્રીટ સ્થિત ગ્રાન્ડ થિયેટરમાં ટ્રેન રેક નામની ફિલ્મ ચાલી રહી હતી. થિયેટરમાં ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકોના જણાવ્યા અનુસાર હુમલાખોરે સતત ર૦ મિનિટ સુધી ફાયરિંગ કર્યું હતું, જેમાં એકનું મોત થયું હતું. આ ઘટનાની સાક્ષી એવી કેટીએ જણાવ્યું હતું કે આધેડ વયના એક ગોરા શખ્સે અચાનક ઊભા થઇને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સિટી માર્શલ બ્રાયન પોપે જણાવ્યું હતું કે ત્યાર બાદ શૂટરે પોતાની ગન પોતાના તરફ જ તાકીને પોતાના પર જ ગોળીબાર કરતાં તેનું પણ મોત થયું હતું.

આ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાસ્થળે પોલીસની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. રાજ્યના ગવર્નર બોબી જિંદાલ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

You might also like