અમરનાથ યાત્રા ૫૯ દિવસ બાદ પરિપૂર્ણઃ સુરક્ષા યથાવત

નવી દિલ્હી: વાર્ષિક અમરનાથ યાત્રા આજે ભારે ર્ધામિક માહોલમાં પૂર્ણ થનાર છે. અમરનાથ યાત્રા છેલ્લા ૫૯ દિવસથી ચાલી રહી હતી. ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રાને કેટલીક વખત મોકુફ પણ કરવામાં આવી હતી. જો કે લોકોમાં ઉત્સાહ ઓછો થયો ન હતો. હવે યાત્રા પૂર્ણ થવા જઇ રહી છે. આજે રક્ષા બંધનના પવિત્ર દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થશે. લાખો શ્રદ્ઘાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતા માર્ગ પર લોખંડી સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી.  યાત્રાને ટાર્ગેટ  બનાવીને હુમલો કરવાની યોજના ત્રાસવાદીઓની રહી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી.શ્રદ્ઘાળુઓની સાથે પૂરતી સંખ્યામાં સુરક્ષા જવાનો હમેંશા રહ્યા હતા. કેન્દ્રીય પોલીસ દળની ટુકડી પણ તૈનાત રાખવામાં આવી રહી છે.  સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે. આર્મી, બીએસએફ, સીઆરપીએફ અને પોલીસ ટુકડી પણ ગોઠવી દેવામાં આવી છે. વાર્ષિક અમરનાથ યાત્રા બીજી જુલાઇથી શરૃ થઇ હતી. જે ૫૯ દિવસ સુધી ચાલી છે. અમરનાથ યાત્રા માટે  લાખો શ્રદ્ઘાળુઓએ તેમની નોંધણી કરાવી  હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ પણ અમરનાથની ગુફામાં દર્શન કરવા માટે પહોંચ્યા  હતા. અમરનાથ જવા માટેના બે માર્ગ છે. એક પહેલગામ થઇને અને અન્ય સોનમર્ગ બલતાલ થઇને જાય છે. વૃદ્ઘ લોકો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પહેલગામથી જતા રસ્તાને સરળ અને સુવિધાવાળા તરીકે ગણવામાં આવે છે . બલતાલથી અમરનાથ ગુફા વચ્ચે અંતર માત્ર ૧૪  કિલોમીટરની આસપાસ છે. સાથે સાથે આ રસ્તો ખૂબ જ મુશ્કેલભર્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ પણ જોખમી છે. જેથી સરકાર આ માર્ગને સુરક્ષિત ગણતી નથી. સરકાર પણ  યાત્રીઓને પહેલગામના રસ્તા પરથી જવા માટે કહે છે.

You might also like