મુંબઇઃ પાછલા કેટલાય સમયથી રિયલ્ટી સેક્ટરમાં નરમાઇ તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને દેશના મોટાં શહેરોમાં આ સ્થિતિ વધુ સ્પષ્ટ જોવા મળી રહી છે. નાઇટ ફ્રાન્કના રિયલ એસ્ટેટ પરના એક રિપોર્ટમાં જણાવાયું છે કે અમદાવાદ સહિત દેશના અગ્રણી આઠ શહેરમાં સાત લાખથી વધુ ઘર વેચાયાં વગરનાં છે. આ મકાનો વેચાતાં હજુ ત્રણથી ચાર વર્ષનો સમય લાગી શકે છે. આ શહેરોમાં અમદાવાદ સહિત મુંબઇ, બેંગલુરુ, પુણે, કોલકાતા, ચેન્નઇ, દિલ્હી એનસીઆર, હૈદરાબાદનો સમાવેશ થાય છે. નાઇટ ફ્રાન્કના રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે સૌથી વધુ વેચાયા વગરનાં મકાનો મુંબઇમાં છે.કેલેન્ડર વર્ષ ૨૦૧૫ના પ્રથમ છ મહિનામાં મુંબઇમાં એક અંદાજ મુજબ નવા પ્રોજેક્ટ્સમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. શહેરમાં ૧.૯૫ લાખ મકાનો વેચાયા વગરનાં છે, જ્યારે બીજા ક્રમે દિલ્હી એનસીઆરનો સમાવેશ થાય છે. સ્થાનિક બજારમાં જોવાયેલી આર્થિક મુશ્કેલીની સૌથી વધુ નકારાત્મક અસર રિયલ્ટી સેક્ટરમાં જોવાઇ છે.