અમદાવાદ સંપૂર્ણ કરફ્યુ મુક્ત બન્યું

અમદાવાદઃ મંગળવારે રાત્રે ફાટી નીકળેલા તોફાનો બાદ શહેરના નવ વિસ્તારોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. હિંસાના બે દિવસ બાદ શહેરમાં શાંતિ પ્રવર્તતા પોલીસે ઘાટલોડિયા, નારણપુરા અને વાડજમાંથી કરફ્યુ હટાવી દીધો હતો. ત્યાર બાદ ગઇ કાલે અન્ય છ વિસ્તારોમાં પણ શાંતિનો માહોલ જણાતાં તે તમામ વિસ્તારોમાંથી પણ પોલીસે આજે વહેલી સવારે કરફ્યુ હટાવી લેતાં શહેર હવે કરફ્યુ મુકત બન્યું છે. 

સતત ચાર દિવસ સુધી ભય અને હિંસાના માહોલ વચ્ચે રહ્યા બાદ આજે લોકો આનંદથી રક્ષાબંધનનો તહેવાર ઊજવી શકે તે માટે કરફ્યુમાં રાહત આપવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે જે વિસ્તારમાં દહેશત અને હિંસાનું વાતાવરણ સર્જાય તેવી પરિસ્થિતિ લાગે તો જરૂર પડયે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી કાયદો વ્યવસ્થા જાળવી કરફ્યુમાં છૂટછાટ આપવા કહ્યું હતું.

હાઇકોર્ટ દ્વારા કરફ્યુમાં રાહત આપવાનું કહેવાતાં પોલીસે આજે વહેેલી સવારે બાકીના રામોલ, નિકોલ, બાપુનગર, ઓઢવ, નરોડા અને  કૃષ્ણનગર વિસ્તારમાંથી કરફ્યુ હટાવી લીધો હતો. બાપુનગર વિસ્તારમાં શ્વેતાંગ પટેલના પોલીસ કસ્ટડી મૃત્યુને લઇ લોકોમાં રોષની લાગણી હજુ પણ જોવા મળી રહી છે. જેના પગલે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રક્ષાબંધનના તહેવાર બાદ ફરી કોઇ પણ પ્રકારની હિંસા ન ફેલાય તેને ધ્યાનમાં રાખી પોલીસ પણ અગમચેતીના પગલાં લઇ શાંતિ સમિતિની બેઠક કરી રહી છે.

You might also like