પરીક્ષાની તાણ અનુભવતા અનેક વિદ્યાર્થીઓનું બીપી બોર્ડે વધાર્યું

અમદાવાદ: ધો.૧૦ અને ધો.૧રની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં મળતી હોલ ટિકિટમાં ભૂલો હોવાની અનેક ફરિયાદને પગલે ભૂલો સુધારવા શાળા સંચાલક અને વાલી શિક્ષણ બોર્ડની કચેરીએ ધક્કા ખાઇ રહ્યા છે.

ધો.૧૦ની અનેક હોલ ટિકિટમાં સેન્ટર બદલાઇ ગયાં હોવાની ફરિયાદો કે એકના બદલે બીજા વિષયો લખી નાખવામાં આવ્યા હોય તેવી ફરિયાદ ઊઠી છે. હોલ ટિકિટમાં શિક્ષણ બોર્ડે કરેલો છબરડો સુધારવા માટે વિદ્યાર્થીએ છેક ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે. ત્યાર બાદ બોર્ડ ઓફિસના સુધારાની નોંધ લઇને ઝોનલ ઓફિસમાં નોંધ કરાવવી પડે છે. ઝોનલ ઓફિસના સુધારાની નોંધ પછી જ વિદ્યાર્થીએ શાળામાં નોંધણી થાય છે અને ત્યાર પછી જ સુધારાવાળી હોલ ટિકિટ મળી શકે છે.

પરીક્ષાના નજીકના દિવસોએ વિદ્યાર્થી અને વાલીઓ માનસિક તાણ અનુભવતા હોય છે. એવા સંજોગોમાં વિદ્યાર્થી એ વાલીએ હાલ ટિકિટની ભૂલ સુધારવા માટે પરીક્ષાના આગલા દિવસો સુધી દોડાદોડી કરવી પડી રહી છે. શાળાઓ દ્વારા ઓનલાઇન વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ભરતી વખતે થયેલી બેદરકારી પગલે પણ હોલ ટિકિટમાં ભૂલો જોવા મળી રહી છે. શિક્ષણ બોર્ડની કચેરીમાં દરરોજ અંદાજે ર૦૦ જેટલી શાળાઓ હોલ ટિકિટમાં સુધારા માટે દોટ મૂકી રહી છે.

વિદ્યાર્થીઓનાં નામ, અટક, વિષય અને શાળાનાં નામ સહિતમાં શિક્ષકોએ ભૂલો કરી હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે મોટી સંખ્યામાં દરરોજ હોલ ટિકિટમાં સુધારાની કાર્યવાહી ચાલતી હોવાનું તેમણે સ્વીકાર્યુ હતું.  આ અંગે દિવ્યપથ હાઇસ્કૂલ નારણપુરાના સંચાલક સંજય પટેલે કહ્યું હતું કે, અમારી શાળામાં બે વિદ્યાર્થીઓને હોલ ટિકિટમાં ભૂલ હતી જે ફોર્મ ભરવામાં રહેલી ખામીથી થઇ હતી હવે સુધારી લેવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષા ૧પમી માર્ચે શરૂ થઇ રહી છે અને હોલ ટિકિટનું વિતરણ ૪ માર્ચથી શરૂ કરાયું હતું. જેથી હોલ ટિકિટમાં કોઇ ભૂલ રહી જાય તો સુધારાનો અવકાશ મળી રહે. આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય ત્યારે શાળા કક્ષાએ નાની મોટી ભૂલ ફોર્મ ભરવામાં કે બોર્ડ કક્ષાએ થઇ શકે છે. જે સુધારી લેવામાં આવે છે.

You might also like