અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનઃ ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી સ્થિતિ

અમદાવાદઃ અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનું સ્વપ્ન નજીકના સમયમાં સાકાર નહીં થવાના મુદ્દે અમદાવાદથી મુંબઇ માત્ર ત્રણ કે ચાર કલાકમાં જ પહોંચી જવાનું સ્વપ્ન જોતા રેલવે મુસાફરીપ્રેમીઓ નિરાશ થયા છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા અને દુનિયાની સૌથી સસ્તી બુલેટ ટ્રેન સેવા બની રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આ કામની જવાબદારી અને સર્વેની કામગીરી જાપાનની કંપનીને સોંપવામાં આવી છે. એક તબક્કે ર૦ર૩માં શરૂ થનારી બુલટ ટ્રેનનો હજુ સુધી ‌ફિઝિબિલિટી રિપોર્ટ પણ નહીં આવ્યો હોવાના કારણે આ પ્રોજેકટ ક્યારે શરૂ થશે તે કોઈ કહી શકે તેમ નથી.

રેલવેબોર્ડના ચેરમેન એ. કે. મિત્તલે ગુજરાતની તેમની તાજેતરની મુલાકાત સમયે ‌ફિઝિબિલિટી રિપોર્ટ અને ફંડના પ્રશ્નનું નિરાકરણ આવ્યા બાદ પ્રોજેકટ આગળ વધવાનું જણાવ્યું હતું. અમદાવાદ-મુંબઇ વચ્ચે ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન દોડશે. મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટ પાછળ ૯૮,૦૦૦ કરોડ ખર્ચ થવા અંદાજવામાં અાવ્યો હતો. 

અહેવાલમાં આ પહેલી બુલેટ ટ્રેનનું અમદાવાદ-મુંબઇ વચ્ચેનું ભાડું એસી કોચ કરતાં થોડું વધારે એટલે કે રૂ.૧૯૦૦ની સરખામણીએ રૂ.ર૮૦૦ નક્કી કરાયું હતું. ૩૦૦  પ્રતિ કિલોમીટરની ઝડપે દોડનારી બુલેટ ટ્રેનનો ‌ફિઝિબિલિટી રિપોર્ટ હજુ પણ આવ્યો ન હોઇને સમગ્ર બુલેટ ટ્રેન પ્રોજેકટનું ભાવિ હાલમાં ધૂંધળું બન્યું છે.

એટલું જ નહીં રિપોર્ટ આવ્યા મોડું થવાના કારણે જૂન-ર૦૧પ સુધીમાં રેલવે મંત્રાલયને અપાયેલા અહેવાલ મુજબના તમામ અંદાજો ખોટા પડશે એટલે કે તેમાં પણ ર૦થી ૩૦ ટકાનો રોકાણ ખર્ચમાં વધારો થઇ જશે. આમ હાલ તો ભેંસ ભાગોળે અને છાશ છાગોળે ઉકિત મુજબ સરકારે બુલેટ ટ્રેનના ભાડા તો નક્કી કરી લીધાં, પરંતુ શરૂઆતી તબક્કો જ હજુ બાકી હોઇને આગળ શું થશે તે કોઇ ચોક્કસપણે કહી શકે તેમ નથી. ગત ફેબ્રુઅારીમાં કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુઅે રેલવે બજેટ રજૂ કરતા ત્રણ મહિનામાં પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ અાવશે તેવી જાહેરાત કરી હતી.

You might also like