અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક ભાગમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરાઈ

અમદાવાદ : હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં ગઇકાલે લાદવામાં આવેલા મોબાઇલ ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધને અમદાવાદ અને ગાંધીનગર સહિત ઘણા વિસ્તારમાં આજે ઉઠાવી લેવામાં આવતા મોબાઇલ ઇન્ટરનેટ સેવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લાખો લોકોને મોટી રાહત થઇ હતી.ગઇકાલે હિંસા શરૂ થયા બાદ સરકારે સાવચેતીના પગલારુપે અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ મુકી દેતા આને લઇને પણ નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. આજે અમદાવાદ ઉપરાંત વડોદરામાં પણ ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં પણ ઇન્ટનેટ સેવા શરૂ કરવામાં આવી ચુકી છે. વડોદરામાં બપોરે અને અમદાવાદમાં પણ બપોર બાદ ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ પટેલ સમુદાય દ્વારા જ્યાં વધુ પ્રમાણમાં આક્રમક વિરોધ પ્રદર્સન કરવામાં આવ્યા છે તે સુરત અને રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં સેલફોન ઉપર ઇન્ટરનેટ સેવા હજુ બંધ રહેશે. સુરતમાં જ્યાં આંદોલનકારીઓએ રેલી યોજવાના પ્રયાસ કર્યા હતા ત્યાં સેલફોન ઇન્ટરનેટ સર્વિસ આવતીકાલે બપોર સુધી બંધ રહે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

 બીજી બાજુ આવતીકાલે બપોર સુધી જો સ્થિતિ સામાન્ય બની જશે તો સુરતમાં પણ ઇન્ટરનેટ સર્વિસ રાબેતા મુજબ કરી દેવામાં આવશે. પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ કરવા બદલ પાટીદાર નેતા હાર્દિક પટેલની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ગઇકાલે મોડી રાત્રે તેને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો હતો. તેની ધરપકડના કારણે હિંસા અને દેખાવના છુટાછવાયા બનાવો બન્યા હતા. વિરોધ પ્રદર્શનનો અંત લાવવા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાના હેતુસર ગઇકાલે  બપોરે ૧૨ વાગ્યાથી મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરવામાં આવી હતી.

મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો જે મોબાઇલનો વધારે ઉપયોગ કરે છે તે લોકો અટવાઈ પડ્યા હતા.

સુરતમાં હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવ્યા બાદ સાવચેતીના પગલા રુપે સરકાર દ્વારા તરત જ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગુજરાત સરકારે મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ અફવાઓને રોકવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે પણ ગયા મહિનામાં એક સપ્તાહ  સુધી લાદવામાં આવેલા મોબાઇલ ઇન્ટરનેટ પ્રતિબંધને યોગ્ય ઠેરવીને સરકારની તરફેણ કરી હતી.

You might also like