અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત ફાયર ટેન્ડરને અાગ ચંપાઈ

અમદાવાદઃ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ફાયરબ્રિગેડના જવાનોઅે કોમી તોફાનો, સાબરમતી નદીનાં ઘોડાપૂર સહિતની અાફતોમાં જીવસટોસટની બાજી લગાવીને લોકોના જાનમાલની સુરક્ષા કરી છે, પરંતુ પાટીદાર અનામત અાંદોલનની અાગમાં ફાયરબ્રિગેડના ઇતિહાસમાં પહેલી વખત તોફાનીઅોઅે અે અાગ બુઝાવવાની કામગીરી કરનાર ફાયર ટેન્ડરને અાગને હવાલે કર્યું હતું. રૂ. ૩૫ લાખની કિંમતનું ફાયર ટેન્ડર મિનિટોમાં બળીને ખાક થયું હતું.

કોમી હુલ્લડો વખતે પણ તોફાનીઅોઅે ફાયરબ્રિગેડના વાહનોને સળગાવ્યા નથી. મ્યુનિ. ફાયરબ્રિગેડના ચીફ ફાયર અોફિસર એમ. એફ. દસ્તૂરે જણાવ્યું હતું કે, ‘ફાયરબ્રિગેડના ઇતિહાસમાં પહેલી વખત કોઈ વાહનને ઇરાદાપૂર્વક ટાર્ગેટ બનાવીને સળગાવાયું છે. મંગળવારની રાત્રે ૯.૩૦ની અાસપાસ તોફાનીઅોઅે વસ્ત્રાલ રીંગરોડ પર એએમટીએસ બસને અાગ ચાંપી હોવાની સૂચના મળતાંવેંત એક ફાયર ટેન્ડરને બસને લગાડાયેલી અાગ બુઝાવવાની કામગીરી બજાવવા રવાના કરાયું હતું પરંતુ કેટલાક તોફાનીઅોઅે જાણીબુઝીને કોશ લઈને ફાયર ટેન્ડરની ડીઝલની ટાંકી ઉપર પ્રહાર કર્યા હતા અને ડીઝલની ટાંકી તોડીને ફાયર ટેન્ડરને અાગ લગાવી હતી. 

ચીફ ફાયર અોફિસર દસ્તૂર કહે છે, ‘શહેરના વિવિધ સ્થળોઅે થયેલા ભારે પથ્થરમારાથી ફાયરબ્રિગેડને રૂ. ૪૦ લાખનું અાર્થિક નુકસાન થયું છે. અનેક ફાયર જવાનોને ટોળાઅે મૂઢમાર માર્યો છે. વોલ‌િન્ટયરનું પથ્થરમારાથી માથું ફૂટી જતાં તેને સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખસેડાયો હતો.

You might also like