અમદાવાદના આ વિસ્તારો બની રહ્યા છે શહેરની નવી ઓળખ

વિકાસની હરણફાળ ભરી રહેલું અમદાવાદ શહેર રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં દેશમાં ટોચનાં શહેરમાં સ્થાન પામે છે. છેલ્લાં ૧૫ વર્ષમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવેલી તેજીએ શહેરને ભારતમાં ટોચના સ્થાને મૂક્યું છે. છેલ્લાં ૧૫ વર્ષમાં અમદાવાદ શહેરમાં ચારે બાજુ અનેક વિસ્તારો ભળ્યા છે. હમણાં સુધી પશ્ચિમમાં એસ.જી. હાઈ-વે અને પૂર્વમાં રિંગ રોડ સુધી સીમિત રહેલું અમદાવાદ આજે પશ્ચિમમાં બોપલ, ગોતા, શિલજ,  ઓગણજ, સરદાર પટેલ, ત્રાગડ, ચાંદખેડા, રિંગ રોડ સુધી ઘણું આગળ વધી ગયું છે. પૂર્વમાં ન્યૂ વટવા, ન્યૂ નારોલ, ન્યૂ નરોડા, અસલાલી જેવા એરિયા હવે રહેવા માટે એક નવી ઓળખ બનાવી રહ્યા છે. 

શાંતિપુરાથી શિલજઃ અમદાવાદની નવી ઓળખ પશ્ચિમ અમદાવાદમાં એસ.પી. રિંગ રોડ પર ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે. રહેણાક વિસ્તાર તરીકે વિકાસ પામી રહ્યો છે. શાંતિપુરા ચોકડીથી શેલા, સાઉથ બોપલ, ઘુમા, મણિપુર, નોર્થ બોપલ, શિલજ વિસ્તારમાં હાલમાં અનેક સ્કીમ કાર્યરત છે. શાંતિ એરિયા તરીકે લોકોનો માનીતો વિસ્તાર બન્યો છે. બોપલ, શિલજ વગેરે ભાગ હાલ કોર્પોરેશનની હદમાં આવી ગયા હોઈ પાયાની સુવિધા ગટર, લાઇટ, સ્વચ્છતા, રોડ વગેરેનો પણ વિકાસ થયો છે. અમદાવાદની લાઇફ લાઇન બીઆરટીએસ છેક ઘુમા સુધી જતી હોઈ વાહન વ્યવહાર પણ સરળ બન્યો છે. શિલજ સુધી મેટ્રો ટ્રેનનું પણ પ્લાનિંગ હોઈ ભવિષ્યમાં આ વિસ્તાર વધારે આકર્ષક બની શકે છે. શાંતિપુરાથી શિલજ સુધીનો પટ્ટો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સાથે જોડાયેલો છે. આ બે વિસ્તારના લોકો માટે નવું લોકેશન સરળ છે. આ વિસ્તારમાં ૨૫ લાખથી એક બે કરોડ રૃપિયા સુધીમાં એપાર્ટમેન્ટ, બંગલા, ફાર્મહાઉસ મળી રહે છે. શહેરની મહત્ત્વની કહી શકાય તેવી સ્કૂલો પણ આ વિસ્તારમાં આવેલી છે. આ બધા પ્લસ પોઇન્ટના કારણે શાંતિપુરાથી શિલજ સુધીનો વિસ્તાર રહેવા માટે બેસ્ટ માનવામાં આવે છે. 

સાયન્સ સિટીથી ચાંદખેડાઃ ઊંચી ઇમારત વચ્ચે લહેરાતી ખુશી પશ્ચિમ અમદાવાદમાં સૌથી તેજ વિકસતો બીજો વિસ્તાર સાયન્સ સિટીથી ચાંદખેડા સુધીનો પટ્ટો છે. સરદાર પટેલ રિંગ રોડની બંને બાજુ અને અંદરના ભાગે ગોતા, ઓગણજ,  છારોડી,  જગતપુર, ત્રાગડ, ખોડિયાર, ચાંદખેડા વગેરે વિસ્તાર નવો ડેવલોપ થઈ રહ્યો છે. ટાઉન પ્લાનિંગની રીતે ભવિષ્યમાં આ વિસ્તાર શહેરનો માનીતો વિસ્તાર બને તો નવાઈ નહીં. શહેરના મોટા અને મહત્ત્વના બિલ્ડરની સ્કીમ આ વિસ્તારમાં આવેલી છે. ૨૫ લાખથી શરૃ કરીને કરોડ સુધીના એપાર્ટમેન્ટ તમને અહીંયા મળી શકે છે. આ વિસ્તારમાં મોટા ભાગની બિલ્ડિંગ હાઈ રાઇઝ છે. હાલમાં વૈષ્ણોદેવી સર્કલ, નિરમા યુનિવર્સિટીના પાછળનો ભાગ, ચાંદખેડા વિસ્તારમાં મોટા પાયે લોકો પોતાના મનગમતાં ઘર ખરીદી રહ્યાં છે. પાયાની સુવિધા ઝડપથી વિકસી રહી છે. મોટા ભાગનો વિકાસ રિંગ રોડને અડીને થયો હોઈ તમે શહેરના કોઈ પણ ભાગમાં આસાનીથી જઈ શકો છો. વળી, બીઆરટીએસની સુવિધા પણ છે. ગાંધીનગર અને ઉત્તર ગુજરાત વધારે નજીક પડતું હોઈ નોકરિયાત વર્ગ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકો માટે આ વિસ્તાર વધારે લાભદાયક સાબિત થઈ રહ્યો છે.

એરપોર્ટ સર્કલથી નારોલઃ ઓછા બજેટમાં ઘરનું ઘર જો તમારે ઓછા બજેટમાં ઘરનું ઘર જોઈતું હોય તો એરપોર્ટ સર્કલથી પૂર્વ અમદાવાદના નારોલ, નરોડા, વટવા, અસલાલી વગેરે વિસ્તાર સૌથી બેસ્ટ છે. છેલ્લા સાતથી આઠ વર્ષમાં આ વિસ્તારમાં રહેણાક મકાનોની સંખ્યા ભારે વધી છે. અત્યાર સુધી આ વિસ્તારની ઓળખ ઇન્ડસ્ટ્રિયલ એરિયા તરીકેની હતી. પૂર્વ વિસ્તારમાં મકાનની માગ વધતા આ વિસ્તારો ડેવલોપ થયા છે. અહીંયા એક રૃમ રસોડાથી માંડીને મોટા બંગલાની સ્કીમો પણ આવેલી છે. મોટા ભાગે આ વિસ્તાર અફોર્ટેબલ હાઉસ પ્રકારનો છે. પાંચ-છ લાખ રૃપિયાથી તમારી ક્ષમતા સુધીનાં નાણાંમાં તમને મકાન મળી રહે છે. વટવા, અસલાલી, નારોલ, એક્સપ્રેસ વે વગેરે વિસ્તારમાં ૧૨થી ૧૫ લાખ રૃપિયા સુધીમાં ટુ-બીએસકે મકાન મળી રહે છે જે સામાન્ય માણસને પોષાય તેવી કિંમતે હોય છે. નારોલ, નરોડા વિસ્તાર મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાતના લોકો માટે નજીક હોઈ આ વિસ્તારનો નોકરિયાત વર્ગ ત્યાં રહેવાનું વધારે પસંદ કરે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. આ એકમમાં નોકરી કરતા વ્યક્તિ કે તેની સાથે જોડાયેલા લોકો માટે પૂર્વ વિસ્તાર સૌથી બેસ્ટ છે. નવા પૂર્વ વિસ્તારમાં હવે પ્રાથમિક સુવિધા પણ પહોંચી હોઈ સસ્તામાં જો તમે મકાન ઇચ્છતા હોય તો પૂર્વ વિસ્તારનું રોકાણ લાભદાયી બની શકે. 

સાણંદઃ ઓટો હબનું રિયલ એસ્ટેટ તેજ ગતિમાં અમદાવાદની નજીક આવેલું સાણંદ અત્યાર સુધી એક નાનકડું શહેર જ હતું. જોકે છેલ્લા વર્ષમાં ઓટો કંપનીઓનું આગમન અને બીજી અનેક કંપનીઓની શરૃઆતને કારણે સાણંદ ભારે ચર્ચામાં આવ્યું છે. આ સાથે નળ સરોવર પક્ષી અભયારણ્ય પણ શહેરથી નજીક આવેલું હોવાથી શાંત વિસ્તારમાં ફાર્મહાઉસ માટે પણ તે અમદાવાદ સહિત ગુજરાતના લોકોની પસંદગી બન્યું છે. સાણંદને અડીને અનેક એપાર્ટમેન્ટ અને બંગલાની સ્કીમો આવેલી છે. ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે કંપનીઓના અનેક કર્મચારીની પસંદગી આ વિસ્તારમાં રહેણાક મકાન પર રહી છે. સાણંદથી નળ સરોવર રોડ પર વીકએન્ડ હોમની સેંકડો સ્કીમ છે. જો તમે ઓછા બજેટમાં વીકએન્ડ હોમ ખરીદવા માગતા હોવ તો સાણંદ અને નળ સરોવરનો વિસ્તાર સૌથી ઉત્તમ માનવામાં આવે છે. 

આ રીતે છેલ્લા એક દાયકામાં અમદાવાદ શહેરનું ચિત્ર બદલાયું છે. નવા વિસ્તારો ઘર માટેનાં ઉત્તમ લોકેશન બની રહ્યાં છે. આ વિસ્તારમાં પાયાની સુવિધાનો વિકાસ થયો હોઈ, શાંતિ અને રમણીય વાતાવરણ હોઈ ઘરના ઘર માટે નવું અમદાવાદ મહત્ત્વનું સેન્ટર બની રહ્યું છે.

 

You might also like