અમદાવાદથી દાંડી સુધીની પાટીદાર અનામત કૂચ કાઢશે

સુરત : પાટીદાર અનામત આંદોલન ગત મંગળવાર સાંજની હિંસા બાદ થોડા સમય માટે થંભી ગયું હતું પરંતુ આજે સુરત ખાતેથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા દાંડીયાત્રાની જાહેરાત કરાઇ છે. અમદાવાદથી દાંડી સુધીના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રાના રૂટ પર જ આગામી તા. પાંચ કે છ સપ્ટેમ્બરથી પાટીદાર અનામત કૂચ કઢાશે. આમ છોટે સરદારનો દાવો કરતા હાર્દિક પટેલ હવે ગાંધીના માર્ગે ચાલશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવકતા ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીજીએ જેવી રીતે અંગ્રેજ સરકાર સામે દાંડીયાત્રા યોજીને સરકારને હલાવી દીધી હતી. તે જ પ્રકારે આગામી તારીખ પાંચ કે છ સપ્ટેમ્બરે હાર્દિક પટેલના નેતૃત્વમાં દાંડીયાત્રા યોજાશે. આ દાંડીયાત્રા આશરે ૩૫૦ કિ.મી.ની હોઇ દરરોજ આંદોલનકારીઓ ૨૫ થી ૩૦ કિ.મી. ચાલીને ૧૨ દિવસમાં પૂર્ણ કરશે. આ દાંડીયાત્રાને પાટીદાર અનામત કૂચ જાહેર કરાઇ છે.

સુરત ખાતે પોલીસ ધરપકડથી જેલવાસ ભોગવી રહેલા આશરે પચ્ચીસ પાટીદાર યુવાનોની હાર્દિક પટેલે આજે મુલાકાત લીધી હતી. આ જેલમાં લગભગ સાઠ પાટીદાર યુવાનો છે. સાંજે ૫.૩૦ વાગે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલની મુલાકાત લીધા બાદ હાર્દિક પટેલે એક ખાનગી હોસ્પિટલમાં પોલીસના ટીયરગેસથી ઇજાગ્રસ્ત એક આધેડ મહિલાને મળ્યા હતા. ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરતી આ મહિલાને પૂરતી આર્થિક સહાય આપવાની જાહેરાત પણ હાર્દિક પટેલે કરી હતી. તેમ પ્રવકતાએ વધુમાં જણાવ્યું હતું.

દરમ્યાન અમારા સુરત ખાતેના પ્રતિનિધિના જણાવ્યા મુજબ પાટીદાર અનામત આંદોલનના બીજા તબક્કાની આજે સુરતમાં જાહેરાત કરાઇ હતી. જેમાં પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની રેલી બાદ રાજ્યભરમાં હિંસક માહોલ ફેલાયો હતો. જેમાં અસામાજિક તત્વોએ પાટીદારોના નામે સરકારી વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે પાટીદારોને પોલીસ તરફથી ઘણું સહન કરવાનો વારો આવ્યો છે. અને હિંસામાં કુલ દસ જણના મોત થયા છે. જેમના પરિવારજનોને સહાય કરવા માટે આગામી દિવસોમાં ૧૦ બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવશે. અને તે એકાઉન્ટ જાહેર કરવામાં આવશે. જેથી જે લોકોને સહાય કરવી હશે તે સહાય પોતાની રીતે કરી શકશે. આ સિવાય સુરતમાં ફરજ બજાવતાં હિંસામાં મોતને ભેટેલા કોન્સ્ટેબલ દિલીપસિંહ રાઠવાના પરિવારને સમિતિએ એક લાખની સહાયની જાહેરાત કરી હતી.

 

આંદોલનને ગાંધીચિંધ્યા માર્ગે આગળ વધારવાની જાહેરાત કરતાં સમિતિના કન્વીનરે વધુમાં જણાવ્યું હતું કે, હવે પછીનું આંદોલન એકદમ શાંતિપૂર્ણ રીતે આગળ વધશે. કોઇ જ હિંસા પાટીદારોના નામે ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. સૌપ્રથમ સુરતમાં જ્યાં જ્યાં હિંસાના બનાવો બન્યા છે. તેવા સરથાણા, વરાછા અને કતારગામ,પાંડેસરા, યોગીચોક, સુદામા ચોક, લક્ષ્મણનગરચોક, સરદારચોક, અંબિકાચોક, સોસિયો સર્કલ ઉધના, સચિન જીઆઇડીસી, સિંગણપોર ચાર રસ્તા, ગજેરા સર્કલ વિસ્તારોમાં પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. પોલીસ પાસે આ અંગે પરમિશન માંગી છે. પોલીસ પરમિશન આપશે તો જાહેરમાં ઉપવાસ પર બેસવામાં આવશે. અને નહીં આપે તો ઇજાગ્રસ્તોની સોસાયટીની અંદર પ્રતીક ઉપવાસ કરવામાં આવશે.

You might also like