અનુકૂળ વરસાદે જીરાનો સારો પાક થવાની શક્યતાએ વાયદાબજારમાં ગાબડાં પડ્યાં

અમદાવાદઃ રાજ્યભરમાં ચાલુ સિઝનમાં સારો વરસાદ તથા અનુકૂળ વરસાદ થયો છે, જેના કારણે જીરાંનું વાવેતર વધવાની શક્યતા છે.  ઉલ્લેખનીય છે કે પાછલાં વર્ષે રાજ્યમાં ૩.૮૮ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાંનું વાવેતર થયું હતું, પરંતુ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કમોસમી વરસાદ તથા રાજ્યમાં કેટલાક જિલ્લામાં કરા પડતાં પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેના પગલે પાછલાં એક વર્ષમાં જીરાંની કિંમતમાં ૮૬ ટકાથી વધુનો વધારો થયો હતો, પરંતુ ચાલુ સિઝનમાં સારા વરસાદના કારણે વાવેતર વિસ્તાર વધવાની સંભાવના છે, જેની પાછળ ભાવમાં પણ ઘટાડો થયો છે.સારા વાવેતરના કારણે વાયદા બજારમાં જીરાંની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. એનસીડીઇએક્સ પર વાયદાની કિંમત રૂ. ૧૫,૬૩૫ પ્રતિ ક્વિન્ટલની સપાટીએ પહોંચી ગઇ છે, જ્યારે હાજર બજારમાં ભાવ રૂ. ૧૬,૩૦૦-૧૬,૫૦૦ પ્રતિ ક્વિન્ટલની સપાટીએ જોવા મળી રહ્યા છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આ સિઝનમાં સારો ઉતાર આવવાની સંભાવનાઓ પાછળ આગામી છથી આઠ સપ્તાહમાં જીરાંના ભાવમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો જોવાઇ શકે છે.
You might also like