અનામત નીતિ પર પુનઃવિચારણા હવે થવી જોઈએઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે અનામત પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં તેના પર પુનઃવિચારણા કરવા જણાવ્યું છે. અનામત પર રાજકારણ અને તેના દુરુપયોગનો આક્ષેપ કરતા મોહન ભાગવતે એવું સૂચન કર્યું છે કે અનામત નીતિ પર એક સમિતિની રચના કરવી જોઈએ. આ સમિતિ કેટલા લોકોને અને કેટલા દિવસ સુધી અનામતની જરૂર છે એ અંગે નિર્ણય લેશે.

મોહન ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે આવી કમિટીમાં નેતાઓ કરતા સેવાની ભાવના ધરાવતા લોકોને વધુ સ્થાન અને મહત્ત્વ આપવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે અનામત અંગે એ‍વા સમયે નિવેદન કર્યું છે જ્યારે ગુજરાતમાં પાટીદાર પટેલોનો એક સમુદાય ઓબીસી ક્વોટામાં અનામતની માગણીને લઈને ઉગ્ર આંદોલન કરી રહ્યો છે.

ગુજરાતમાં પાટીદાર અને રાજસ્થાનમાં ગુર્જરો સહિત કેટલાય વિસ્તારોમાં અનેક જ્ઞાતિઓને અનામત આપવાની વધતી જતી માગણીની પૃષ્ઠભૂમિમાં સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે પોતાના સંગઠનના મુખપત્રો ‘પાંચ જન્ય’ અને ‘ઓર્ગેનાઈઝર’ સાથેની મુલાકાતમાં આ પ્રકારના સૂચનો કર્યાં છે.

મોહન ભાગવતે જણાવ્યું છે કે બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગ પર આધારિત અનામત નીતિની વાત કરવામાં આવી છે. બંધારણના નિર્માતાઓના મનમાં જે પ્રકારની વાત હતી તે પ્રકારે જો અનામત નીતિ ચલાવવામાં આવી હોત તો આજે આ બધા પ્રશ્નો ઉભા ન થાત, પરંતુ હવે અનામત નીતિનો રાજકારણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોહન ભાગવતના આ નિવેદન બાદ વિરોધપક્ષોએ તેમના પર પ્રહારો કર્યા છે. જદયુના નેતા કે.સી. ત્યાગીએ જણાવ્યું છે કે મોહન ભાગવતનાં નિવેદન બાદ બંધારણમાં વિશ્વાસ ધરાવતા તમામ રાજકીય પક્ષોએ મોહન ભાગવત વિરુદ્ધ સંગઠિત થવું જોઈએ.

You might also like