અનામત અનશન કાર્યક્રમ સોમવારથી આગળ વધશે

અમદાવાદઃ અનામતની માગણી સાથે અમદાવાદમાં રપ ઓગસ્ટે થયેલી રેલી અને ત્યાર બાદ ભડકી ઊઠેલી હિંસાને પગલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યક્રમો હાલ પૂરતા અટવાયા છે. સરદાર પટેલ ગ્રૂપના મુખ્ય આગેવાન લાલજીભાઇ પટેલે સમભાવ મેટ્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે પછીના કાર્યક્રમના ભાગરૂપે અગાઉ કરેલી જાહેરાત મુજબ અમે ધરણાંનો કાર્યક્રમ રાખ્યો છે. જેમાં અમે ઉપવાસ ઉપર અનામતની માગણી સાથે ઊતરીશું. અમે આ માટે અમદાવાદ કલેકટર પાસે ઉપવાસ સ્થળ માટેની પરવાનગી માગી હતી, પરંતુ હાલનો સમય અને સંજોગો જોતાં માંડ થાળે પડેલી શાંતિ ડહોળાય નહીં તે હેતુથી રક્ષાબંધનના તહેવાર સુધી શાંતિ જાળવી રાખવા કલેકટરે અમને અપીલ કરી છે. જેને અમે માન આપ્યું છે.

લાલજી પટેલે વધુમાં કહ્યું હતું કે આજે સાંજે કોર કમિટીની બેઠક મળશે અને હવે ઉપવાસ માટેનું સ્થળ બદલાશે. જે અંગેનો અંતિમ નિર્ણય આજ રાત સુધીમાં લેવાશે. ત્યાર બાદ સોમવારે સવારે આ અંગે પરવાનગી માગવામાં આવશે.

હાર્દિક પટેલ જૂથ અને સરદાર પટેલ જૂથ એકસાથે એક સ્થળે એક મંચ પર બેસીને ઉપવાસ કરશે કે કેમ? તે અંગે વિરોધાભાસ જોવા મળ્યો હતો. લાલજી પટેલે સ્પષ્ટપણે એસપીજી ગ્રૂપ એકલું જ આ કાર્યક્રમ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ગાંધીનગર એસપીજી ગ્રૂપના આગેવાન ગૌરાંગ પટેલે બંને ગ્રૂપ સાથે ઉપવાસ કરશે તેમ જણાવ્યું હતું. આ અંગે હાર્દિક પટેલ સાથે વાત થઇ શકી નહોતી.

You might also like