અદાણીએ બે કોન્ટ્રેક્ટર્સને સસ્પેન્ડ કરતાં કાર્માઈકલ પ્રોજેક્ટનું ભાવિ અદ્ધરતાલ

સિડનીઃ અદાણી માઇનિંગે ઓસ્ટ્રેલિયામાં પોતાના ૭.૪ અબજ ડોલરના કાર્માઇકલ કોલસા પ્રોજેકટના બે મુખ્ય કોન્ટ્રેકટરોને સસ્પેન્ડ કરતાં આ પ્રોજેકટનું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે એવું ઓસ્ટ્રેલિયન અખબાર ‘સિડની મોર્નિંગ હેરાલ્ડ’ના એક અહેવાલમાં આજે જણાવાયું હતું.

આ પ્રોજેકટના રોકાણકાર મનાતા એવા પ્રોજેકટ મેનેજર પાર્સન્સ બ્રિન્કરહોફ અને કોરિયાના પોસ્કો એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રકશન કંપની લિ.ને ગત સપ્તાહે કાર્માઇકલ ખાણ, રેલવે અને બંદર પ્રોજેકટ પર કામ બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી એવું સૂત્રોને ટાંકીને આ અખબારે જણાવ્યું હતું.

આ અંગે ઓસ્ટ્રેેલિયામાં અદાણીના કાર્યાલયનો તત્કાળ પ્રતિક્રિયા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કાર્યાલય તરફથી કોઇ પ્રતિક્રિયા તત્કાળ આપવામાં આવી નથી. પાર્સન્સ બ્રિન્કરહોફની પ્રવકતાએ કોન્ટ્રેકટ પરનો પ્રશ્ન અદાણીને પૂછવા જણાવ્યું હતું. જ્યારે આ સંદર્ભમાં ટિપ્પણી માટે પોસ્કોનો તત્કાળ સંપર્ક થઇ શકયો નથી.

આ બંને કોન્ટ્રેકટરોની અદાણી પ્રોજેકટમાં મોટી ભૂમિકા હતી. પાર્સન્સ બ્રિન્કરહોફ પ્રોજેકટના મુખ્ય પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હતા. જ્યારે પોસ્કો દ્વારા ખાણથી સમુદ્ર સુધી અદાણીની ૩૮૮ કિ.મી. લાંબી રેલવે લાઇન નાખનાર હતી.

અદાણીએ માઇન્સના આ પ્રોજેકટ માટે બજેટની સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું જણાવીને પ્રોજેકટના ફાઇનાન્શિંગ પાસાં અંગે ચિંતા વ્યકત કરી હતી. અદાણી ઓસ્ટ્રેલિયામાં ઉત્પાદિત થનાર તમામ કોલસો ભારતને મોકલવા માગે છે કે જેથી ભારતમાં ઘરેલુ વીજળી ઉત્પાદનમાં તેનો ઉપયોગ થઇ શકે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ઇલેક્ટ્રિસિટી ગ્રીડ સાથે જોડવાનું પોતાનું ધ્યેય પોતાના જ કાર્યકાળ દરમિયાન સિદ્ધ કરી શકે.

કંપનીએ એ વખતે જણાવ્યું હતું કે અગાઉની અપે‌િક્ષત મંજૂરી, સમય મર્યાદા અને માઇલસ્ટોન આધારિત પ્રોજેકટનું બજેટ હવે ક્વિન્સલેન્ડ સરકાર તરફથી વિવિધ મંજૂરીઓ મેળવવામાં થયેલા વિલંબને કારણે સિદ્ધ કરી શકાય તેમ નથી. અદાણી ગ્રૂપે ચાર એન્જિનિયરિંગ કંપનીઓના કોન્ટ્રેકટરોને સસ્પેન્ડ કર્યાના અહેવાલને સમર્થન આપ્યું હતું અને મંજૂરી માટે પ્રતીક્ષા કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અદાણીએ પ્રથમ તબક્કામાં કાર્માઇકલ પ્રોજેકટ હેઠળ ઉત્પાદિત થનાર  ચાર કરોડ ટન કોલસામાંથી ૭૦ ટકા કોલસા માટે બાયર્સ સાથે સાઇનઅપ કર્યું હતું.

You might also like