અજયઃ બોલિવૂડ બ્યુટીથી દૂર, સાઉથની સુંદરતા નજીક

બોલિવૂડનો સ્ટાર અજય દેવગણ ખૂબ જ જલદી ડિરેક્ટર મિલન લુથરિયાની આગામી ફિલ્મ ‘બાદશાહો’માં સાઉથની અભિનેત્રી શ્રુતિ હસન સાથે કામ કરતો જોવા મળશે. એવું પહેલી વાર નથી બની રહ્યું કે અજય સાઉથની અભિનેત્રી સાથે કામ કરી રહ્યો હોય. તે સાઉથની ફિલ્મોમાંથી બોલિવૂડમાં આવેલી અભિનેત્રીઓ સાથે ઘણી વાર જોવા મળ્યો છે. તેને કદાચ બોલિવૂડની બ્યુટીઝના બદલે સાઉથની બ્યુટીઝ વધુ પસંદ હોય તેવું લાગે છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ અજય જેવા સ્ટાર સાથે કામ કરવા તલપાપડ હોય છે, પરંતુ નસીબજોગે આ ચાન્સ સાઉથની અભિનેત્રીઓ લઇ જાય છે.

આ મહિનાના છેલ્લા શુક્રવારે રિલીઝ થનારી અજય દેવગણની ફિલ્મ ‘દૃશ્યમ્’માં પણ તે શ્રેયા શરણ સાથે કામ કરશે. શ્રેયા સાઉથની સુપરહિટ અભિનેત્રી છે. આ પહેલાં અજય દેવગણે ‘હિંમતવાલા’ મૂવીમાં તમન્ના ભા‌િટયાને ચાન્સ આપ્યો હતો. તમન્ના પણ સાઉથની અભિનેત્રી છે. ‘હિંમતવાલા’ તેની બોલિવૂડમાં ડેબ્યુ ફિલ્મ હતી.

આ અગાઉ અજયે ‘બોલ બચ્ચન’ ફિલ્મમાં સાઉથની જાણીતી અભિનેત્રી આસિન સાથે રોમાન્સ કર્યો છે. આસિન સાઉથની ફિલ્મોમાંથી બોલિવૂડમાં આવી હતી. ‘સિંઘમ્’ ફિલ્મમાં અજય દેવગણની અભિનેત્રી બનેલી કાજલ પણ મૂળ સાઉથની જ અભિનેત્રી છે. તેણે બોલિવૂડમાં ફક્ત અજય સાથે જ કામ કર્યું છે. તે સારી અભિનેત્રી હોવા છતાં સિંઘમ્ પહેલાં કે પછી તેણે બોલિવૂડમાં કામ કર્યું નથી.

અજય દેવગણ આવતા વર્ષે મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘શિવાય’ સાથે ધૂમ મચાવશે. આ ફિલ્મથી દિલીપકુમાર અને સાયરાબાનુની પૌત્રી આયશા સહગલ બોલિવૂડમાં ડેબ્યુ કરશે, પરંતુ આ પહેલાં તે પણ તેલુગુ ફિલ્મમાં કામ કરી રહી હતી. અહીં પણ અજય સાથે જોવા મળનારી અભિનેત્રી અગાઉ સાઉથમાં કામ કરી ચૂકી છે. 

આ જોતાં તો એવું જ કહી શકાય કે અજયને બોલિવૂડ કરતાં સાઉથની અભિનેત્રીઓ સાથે વધુ ફાવે છે. અજયે જેટલી સાઉથની અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે તેટલું કદાચ બોલિવૂડના કોઇ સ્ટારે કર્યું નથી.

You might also like