અંબાજી મંદિરમાં ૧૧,૧૧૧ કિલોનો લાડુ બનાવાયો

ડીસા : અંબાજીમાં હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશ્વવિક્રમ થાય તે પ્રકારે ૧૧,૧૧૧ કિલો શુદ્ધ ઘીનો એક લાડુ બનાવવામાં આવ્યો છે .આ પ્રકારનો લાડુ વિશ્વમાં સંભવિત પ્રથમ વાર બન્યો હોવાથી આ નવા કિર્તિમાન સમાન ઘટના છે. આવો મોટો લાડુ બનાવવાનો રેકોર્ડ ભાદરવી પુનમના મેળામાં નોંધાતા મેળામાં આવેલા અનેક ભાવિકોમાં ખુશી ફેલાઈ ગઈ છે. અને લાડુને નિહાળવા ભારે ભીડ જામી હતી.

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાના ત્રીજા દિવસે પણ લાખો ભાવિકોએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. જેમાં આજે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠાના કલેકટર દિલીપ રાણા અને અંબાજી મંદિરના પુજારીગણ દ્વારા મંદિરમાં એક વિશાળ કદનો લાડુ બનાવવામાં આવ્યો છે. અથાગ અને ભારે મહેનતથી બનાવવામાં આવેલા આ શુદ્ધ ઘીના લાડુનું વજન ૧૧,૧૧૧ કિલો છે. આ લાડુમાં ૨૬૦૦ કિલો ઘી, ૨૬૫૦ કિલો બેસન, અને ૫૫૦૦ કિલો ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ મહાકાય લાડુને બનાવવામાં ૨૪ કલાકનો સમય લાગ્યો હતો. આ લાડુને બનાવવા માટે ૧૨ કારીગરો, ૧૪ મદદનીશ રસોઈયા, તથા નવ હેલ્પરોની મદદ લેવામાં આવી હતી. ત્યારે ભારે જહેમતથી બનાવવામાં આવેલો આ લાડુ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી શકે તેમ છે. ભાદરવી પુનમના મેળાના ત્રીજા દિવસે જ સવારે સાતથી સાંજના પાંચ કલાક સુધી સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન બ્રાહ્મણો  દ્વારા શાસ્ત્રોકત વિધિથી એક વિશાળ પાત્રમાં આ વિરાટ લાડુની ફિલીંગ કામગીરી શરૃ કરવામાં આવી છે. આ લાડુને આવતીકાલે ૨૫ સપ્ટેમ્બરે મેળામાં આવેલા લાખો ભાવિકોને પ્રસાદ સ્વરૃપે વહેંચવામાં આવશે. તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન દિલીપ રાણાએ જણાવ્યું છે.

 

અંબાજીમાં વર્ષાેથી પરંપરાગત રીતે ભરાતા ભાદરવી પુનમના મેળામાં આ વખતે મા અંબાના ધામમાં દર્શને આવતા લાખો ભાવિકોને કંઈક નવીનતા દર્શાવવાના આશયથી મંદિરના ટ્રસ્ટીગણે માં અંબાના ધામમાં એક વિરાટ કદનો એવો લાડુ બનાવવો કે જેની વિશ્વભરમાં નોંધ લેવાય તેવું નકકી કરી ૧૧,૧૧૧ કિલો વજનનો લાડુ બનાવ્યો છે. જે કદાચ વિશ્વમાં પ્રથમવાર બનાવાયો છે તેથી તેની ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેની નોંધ લેવાય તેવી શકયતા છે. જોકે આજે આ લાડુને એક વિશાળ પાત્રમાં મુકવામાં આવતા હાલ મેળામાં આવેલા અનેક દર્શનાર્થીઓ તેને કુતુહૂલતાથી નિહાળવા ઉમટી પડે છે. આ વિરાટ કદના લાડુએ ભાવિકજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

You might also like