અંતરિક્ષમાં ભારતની છલાંગઃ દેશનો પ્રથમ એસ્ટ્રોસેટ ઉપગ્રહ લોન્ચ કર્યો

શ્રીહરિકોટાઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ આજે અંતરિક્ષ ક્ષેત્રે ઐતિહાસિક છલાંગ લગાવીને અંતરિક્ષમાંથી ધરતીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાના હેતુથી સવારે ૧૦.૦૦ વાગ્યે સાત ઉપગ્રહને લઈને જનારા પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી એસ્ટ્રોસેટ ઉપગ્રહ પીએસએલવી-સી૩૦ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી કરવામાં આવ્યું હતું. અહીંના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી છ બીજા ઈન્ટરનેશનલ કસ્ટમર સેટેલાઈટ સાથે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પ્રથમ વાર અમેરિકા કોઈ સેટેલાઈટ લોન્ચિંગ માટે ભારતની મદદ લઈ રહ્યું છે.

આ ઉપગ્રહ પોતાની સાથે ૧૬૩૧ કિ.ગ્રામ વજનના રૂ. ૧૮૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ભારતીય એસ્ટ્રોસેટ ઉપગ્રહ ઉપરાંત અમેરિકાના ચાર અને ઈન્ડોનેશિયા તથા કેનેડાના એક-એક ઉપગ્રહને લઈને ગયો છે. એસ્ટ્રોસેટને પૃથ્વીથી ૬૫૦ કિ.મી.ની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

લોન્ચિંગની ૨૨ મિનિટની અંદર જ ઉપગ્રહ સ્પેસમાં ગોઠવાઈ ગયો હતો. ભારત પહેલાં અગાઉ અમેરિકા, રશિયા અને જાપાને જ સ્પેસ ઓબ્ઝર્વેટરી લોન્ચ કરી છે અને આ સાથે ભારતની ચુનંદા દેશોની હરોળમાં ચોથું સ્થાન પ્રાપ્ત થયું છે.

ઈસરોના જણાવ્યા અનુસાર સ્પેસથી સેટેલાઈટ દ્વારા પૃથ્વી પર થતાં પરિવર્તનોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો આ મિશનનો હેતુ છે. એસ્ટ્રોસેટ દ્વારા અલ્ટ્રાવાયોલેટ-રે, એક્સ-રે, ઈલેક્ટ્રો મેગ્નેટિક સ્પેક્ટ્રમ જેવી ચીજવસ્તુઓને યુનિવર્સથી પારખવામાં આવશે. આ ઉપરાંત મ‌િલ્ટવેવ લેન્થ ઓબ્ઝર્વેટિવ દ્વારા જુદા જુદા તારા વચ્ચેનું અંતર પણ માપી શકાશે. સુપરમેસિવ બ્લેક હોલની હાજરી અંગે તપાસ કરવામાં પણ એસ્ટ્રોસેટ મદદરૂપ થશે.

ઈસરો દ્વારા બનાવવામાં આવેલ પોલર સેટેલાઈટ લોન્ચ વિહિકલ (પીએસએલવી)ની આ ૩૧મી ફ્લાઈટ છે. આ વિહિકલ પોતાની સાથે ૧૬૩૧ કિ.ગ્રામ એસ્ટ્રોસેટને લઈ ગયું છે. છ વિદેશી ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ સાથે ભારતે સ્પેસ રિસર્ચની દિશામાં ૫૦ વર્ષ પૂરાં કર્યાં છે. ભારત અત્યાર સુધીમાં ચાર્જ લઈને ૪૫ વિદેશી ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરી ચૂક્યું છે.સાત ઉપગ્રહને લઈને જનાર આ ચાર સ્તરીય પીએસએલવી-એક્સએલ રોકેટ ૪૪.૪ મીટર લાંબું અને ૩૨૦ ટન વજનનું છે. 

You might also like