રામનગર ચાર રસ્તા પાસે યુવતીની છેડતીના ઝઘડામાં યુવાનની હત્યા

અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગર ચાર રસ્તા પાસે યુવતીની છેડતી અને મારામારીની બનેલ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. યુવતીની છેડતી બાબતે યુવકે અન્ય યુવકને છરીના ઘા ઝીંકી દઇ તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. સેટેલાઇટ પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રામદેવનગર ચાર રસ્તા પાસે આવેલા વાલ્મીકિ વાસમાં મિલન ઉર્ફે સંજય બાબુભાઇ વાઘેલા તેના પરિવાર સાથે રહે છે. તેમના જ વાસમાં અમિત ચંદ્રકાંતભાઇ રિજાકર પણ તેના પરિવાર સાથે રહે છે.

ગઇ કાલે રાત્રે ૧૦-૧પની આસપાસ બહાર જાહેર રોડ પર સંજય પસાર થતો હતો દરમ્યાનમાં બહાર ઊભેલી હિના રિજાકરની સંજયે છેડતી કરી હતી. જે મામલે બોલાચાલી થઇ હતી.

બોલાચાલી થતાં સંજયના ફોઇનો દીકરો અને અન્ય સંબંધીઓ દોડી આવ્યા હતા. બીજી તરફ અમિત રિજાકર પણ ત્યાં આવી બોલાચાલી કરી હતી. બંને પક્ષે મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી.

અમિતે તેની પાસે રહેલ તીક્ષ્ણ હથિયારથી સંજયના ફોઇના દીકરા યશ પુરબિયા (ઉ.વ.રર)ને શરીર પર ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

બનાવ બાદ આરોપી અમિત ફરાર થઇ ગયો હતો. છેડતી અને મારામારી બાબતે હિનાએ સંજય સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી જ્યારે ‌સંજયે તેના ફોઇના દીકરાની હત્યા મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

You might also like