વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ‘અસ્મિતા’ હવે જળવાઈ રહેશે

અમદાવાદ: યુનેસ્કો દ્વારા દેશના સર્વ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ આપણાં અમદાવાદને અપાયા બાદ સ્વભાવિકપણે ૬૦૦થી વધારે વર્ષ જૂનાં આ શહેરની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી ગયા છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનારા અમદાવાદના વર્લ્ડ હેરિટેજને લાયક ઐતિહાસિક સ્મારકો-દરવાજા વગેરે અમૂલ્ય સ્થાપત્યોનાં જતન અને વિકાસની દૃષ્ટિએ મ્યુનિસિપલ સત્તાધીશોએ વિશેષ ટ્રસ્ટનું ગઠન કરીને તે દિશામાં ચક્ર ગતિમાન કર્યાં હોઇ આગામી દિવસોમાં શહેરની અસ્મિતા હવે જળવાઇ રહેશે.

આમ તો દેશના સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ પ્રાપ્ત કરવા મુંબઇ અને દિલ્હી પણ દાવેદાર હતાં. પરંતુ યુનેસ્કોએ અમદાવાદના કોટ વિસ્તારના હિંદુ, જૈન અને ઇસ્લામિક પરંપરા આધારિત અમૂલ્ય વારસાને આધારે મુંબઇ અને દિલ્હીના દાવાને ફગાવ્યા હતા. બીજી તરફ શહેરના પ.૪૩ સ્કે.કિમી ક્ષેત્રફળ ધરાવતા કોટ વિસ્તારની ચાર લાખની વસ્તી હોઇ વધતા જતા કોંક્રેટીકરણને કારણે ‘પોળ સંસ્કૃતિ’ ભયમાં મુકાઇ છે.

જો કે ગત જુલાઇ, ર૦૧૭માં યુનેસ્કોએ અમદાવાદને દેશનું સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરતાં આ શહેર હવે જગપ્રસિદ્ધ પેરિસ, કેરો અને એડિનબર્ગ જેવા શહેરની હરોળમાં આવી ગયું છે.

તંત્ર દ્વારા શહેરના હેરિટેજ મૂલ્યોનાં સંવર્ધન માટે ખાસ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટનું ગઠન કરાયું છે. ગત નવેમ્બર ર૦૧૭માં આ અલાયદા હેરિટેજ ટ્રસ્ટને ચેરિટી કમિશનરની માન્યતા મળી ગઇ છે. આ ટ્રસ્ટના પ્રમુખપદે મ્યુનિસિપલ કમિશનરના હોદ્દાની રૂએ મૂકેશકુમાર છે.

કુલ નવ ટ્રસ્ટી ધરાવતા આ ટ્રસ્ટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દાની રૂએ પ્રવીણ પટેલ, રિક્રિએશનલ કમિટીના ચેરમેનના હોદ્દાની રૂએ બીજલ પટેલ, હેરિટેજ કન્ઝર્વેશન કમિટીના ચેરમેન પી.કે. ઘોષ, ઉદ્યોગપતિ સામવેદ લાલભાઇ, હેરિટેજનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનરના હોદ્દાની રૂએ કેતન ઠક્કર, નિવૃત્ત આઇએએસ અધિકારી આઇ.એ. સૈયદ, સંઘના અગ્રણી અમૃત કડીવાળા અને ભાજપના અગ્રણી ડો. હેમંત ભટ્ટનો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરાયો છે.

અગાઉ કમિશનર મૂકેશકુમારના પ્રમુખ સ્થાન હેઠળ ટ્રસ્ટની પ્રથમ પરંતુ ઔપચારિક બેઠક યોજાઇ હતી. જેમાં ટ્રસ્ટીઓ એકબીજાથી પરિચિત થયા હતા પરંતુ હવે ટૂંક સમયમાં હેરિટેજ અસ્મિતાને કેન્દ્ર સ્થાને રાખીને ટ્રસ્ટની બેઠક યોજાશે. જેમાં કેન્દ્ર સરકાર પાસે હેરિટેજ સ્મારકનાં જતન અને વિકાસ માટે રૂ.ર૦૦ કરોડની વિશેષ ફંડની કરાયેલી માગણી સહિતના મુદ્દાઓ ચર્ચાઇ તેના પર નીતિ વિષયક નિર્ણય લેવાશે.

You might also like