ગદ્દારોએ બનાવેલા લાલ કિલ્લા પર મોદી ત્રિરંગો લહેરાવવાનું બંધ કરશે?: ઓવૈસી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય સંગીત સોમે તાજમહાલ સંબંધિત કરેલી ટિપ્પણીના જવાબમાં એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વળતો હુમલો કર્યો છે. હૈદરાબાદના લોકસભાના સાંસદે સવાલ ઉઠાવ્યો છે કે શું સરકાર પ્રવાસીઓને આ સ્મારકમાં નહીં જવા માટે જણાવી શકે છે ? એક દિવસ અગાઉ સંગીત સોમે મોગલ બાદશાહ, બાબર, અકબર અને ઔરંગઝેબને વિશ્વાસઘાતી જણાવ્યા હતા. તેના જવાબમાં ઓવૈસીએ ટ્વિટ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે લાલ કિલ્લો પણ વિશ્વાસઘાતી મોગલ બાદશાહે બનાવ્યો હતો તો શું પીએમ મોદી ત્યાં ત્રિરંગો લહેરાવવાનું બંધ કરી દેશે ? ઓવૈસીએ પોતાના ટ્વિટમાં હૈદરાબાદ હાઉસ પર પણ ટિપ્પણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય સંગીત સોમના નિવેદન વિરુદ્ધ ચોમેરથી હુમલા શરૂ થઈ ગયા છે. સંગીત સોમે સ્પષ્ટતા કરી હતી કે તેમણે તાજમહાલ નહીં પરંતુ મોગલના ઈતિહાસને મીટાવી દેવાની વાત કરી હતી. તેના જવાબમાં હવે સપા નેતા આઝમ ખાન પણ કૂદી પડ્યા છે. આઝમ ખાને ભાજપ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે ગુલામીની નિશાનીઓ નહીં મિટાવવી એ રાજકીય નપુસંકતા છે. આઝમ ખાને વળતો હુમલો કરતાં જણાવ્યું હતું કે સંસદ અને રાષ્ટ્રપતિ ભવન પણ ગુલામીની નિશાનીઓ છે તો તેને પણ મિટાવી દો. માત્ર તાજમહાલ જ શા માટે ? સંસદ, રાષ્ટ્રપતિ ભવન, કુતુબમિનાર બધાને ધરાશયી કરી દેવા જોઈએ.

ચોરીની જમીન પર તાજમહાલ બન્યો છેઃ ડો. સુબ્રમણ્યમ સ્વામી
તાજમહાલ વિવાદ પર ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ સંગીત સોમનો બચાવ કરતાં જણાવ્યું છે કે હું તેમનો વકીલ નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે તાજમહાલ ચોરીની જમીન પર બનાવવામાં આવ્યો હતો. સીએનએન ન્યુઝ-૧૮ પર તાજમહાલના મુદ્દે તિબેટ થઈ રહી હતી. એન્કર મારિયા શકીલ તેમાં સુબ્રમણ્યમ સ્વામી સાથે વાત કરી રહી હતી. ત્યારે સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે તાજમહાલ ચોરીની જમીન પર બનાવવામાં આવ્યો હતો. શાહજહાંએ આ માટે જયપુરના રાજા પર જમીન માટે દબાણ કર્યું હતું. તેના વળતરમાં ૪૦ ગામ આપવામાં આવ્યા હતા તેઓ ટૂંક સમયમાં તેના દસ્તાવેજો બધાની સામે જાહેર કરશે.

You might also like