હરિયાણામાં વિદેશીઓને બીફ ખાવા માટે સ્પેશિયલ લાઈસન્સ મળશે

નવી દિલ્હી: ગઈ સાલ ગૌમાંસ પર થયેલા હોબાળા બાદ હરિયાણા સરકારે રાજ્યમાં ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે રાજ્યના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરનું કહેવું છે કે રાજ્યમાં વસતા વિદેશીઓને બીફ (ગૌમાંસ) ખાવાની મંજૂરી આપવા અંગે સરકાર વિચારણા કરી શકે છે. અહેવાલો અનુસાર મુખ્યપ્રધાન ખટ્ટરનું કહેવું છે કે રાજ્યમાં બીફ બાનને લઈને અમલમાં મુકાયેલા કડક કાયદામાં વિદેશી લોકો માટે ખાસ રાહત આપવામાં આવશે.

એક અખબારના અહેવાલ અનુસાર મુખ્યપ્રધાન ખટ્ટરે જણાવ્યું હતું કે અમે વિદેશીઓને બીફ ખાવા માટે કેટલીક છૂટછાટ આપવા વ્યવસ્થા ગોઠવીશું. વિદેશીઓને બીફ ખાવા માટે સ્પેશિયલ લાઈસન્સ આપવામાં આવશે. કાયદાને કોઈ પડકારી શકે નહીં. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં હરિયાણી પરંપરા જાળવા રાખવા માટે ગૌમાંસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સીએમ ખટ્ટરે વધુમાં જણાવ્યું હતું કે દરેકને પોતાની ખાનપાનની અલગ લાઈફસ્ટાઈલ હોય છે. જે લોકો બહારથી આવે છે તેનો અમે વિરોધ કરતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર-૨૦૧૫માં મનોહરલાલ ખટ્ટરે જ બીફ પર પ્રતિબંધને લઈને એ‍વું નિવેદન કર્યું હતું કે મુસ્લિમો જો આ દેશમાં રહેવા ઈચ્છતા હોય તો તેમણે બીફ ખાવાનું બંધ કરવું પડશે. ખટ્ટર સરકારે ગઈ સાલ માર્ચમાં હરિયાણા ગૌવંશ સંરક્ષણ અને ગૌસંવર્ધન વિધેયક પાસ કરાવ્યું હતું. હરિયાણા સરકારના આ વિધેયક પર નવેમ્બરમાં રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હતી.

You might also like