VVPAT મશીનોના ઉપયોગથી ચૂંટણી પરિણામો ત્રણ કલાક મોડાં આવશે

નવી દિલ્હી: ચૂંટણીપંચે હવે ચૂંટણીમાં ૧૦૦ ટકા વીવીપીએટી (વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ) મશીનનો ઉપયોગ કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણીપંચ એવી તૈયારીમાં છે કે તમામ વિધાનસભા અને લોકસભાની બેઠકોનાં કેટલાંક ચોક્કસ ચૂંટણી મથકો પર વીવીપીએટી સ્લિપની પણ ગણતરી કરવામાં આવશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ૧૦૦ ટકા વીવીપીએટી મશીનનો ઉપયોગ થશે.

જોકે ચૂંટણીપંચે પોતાના પ્રારંભિક મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે વીવીપીએટી મશીનના ઉપયોગથી ચૂંટણીનાં પરિણામો ત્રણ કલાક મોડાં આવશે. ચૂંટણીપંચનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંપૂર્ણપણે વીવીપીએટી આધારિત ચૂંટણી અને કેટલાંક ચૂંટણી મથકો પર સ્લિપ્સની ગણતરીને લઇ રચવામાં આવેલી સમિતિ આ અંગેનાં કેટલાંય પાસાંઓ પર વિચાર કરી રહી છે.
આ સમિતિ એ મુદ્દે પણ વિચાર કરી રહી છે કે આ સ્લિપ્સની ગણતરી ક્યારે કરવામાં આવે.

ચૂંટણીપંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો તેની પોસ્ટલ બેલેટની જેમ પહેલાં ગણતરી કરવામાં આવે તો પછી પ્રથમ ટ્રેન્ડ ૧૧ વાગ્યા પહેલાં આવશે નહીં અને આમ ચૂ્ંટણીનાં પરિણામો ત્રણ કલાક મોડાં જાહેર થશે. જ્યારે અત્યારે ઇવીએમ પર ગણતરી શરૂ થતાંની સાથે જ અડધા કલાકની અંદર ચૂંટણીનાં પરિણામના ટ્રેન્ડ આવવા શરૂ થઇ જાય છે.
http://sambhaavnews.com/

You might also like