કોહલીની બુલેટ પ્રૂફ સુરક્ષામાં છીંડાંઃ આઠ વાર સ્પિનર સામે આઉટ થયો

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી બેંગલુરુની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. ગત શનિવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં બેંગલુરુનો ૩૦ રને પરાજય થયો હતો. વિરાટ અને ડિવિલિયર્સ જેવા દિગ્ગજ બેટ્સમેનોથી સજ્જ બેંગલુરુની ટીમનું આ વર્ષે પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું.

ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ તો લગભગ દરેક મેચમાં ફ્લોપ રહી, પરંતુ અંતિમ લીગ મેચમાં ટીમનો મિડલ ઓર્ડર પણ ફ્લોપ સાબિત થયો. આઇપીએલના પ્લેઓફની દોડમાંથી બહાર થવાની સાથે સાથે વિરાટ કોહલીએ આ સિઝનમાં એક બહુ જ ખરાબ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે.

એમ તો ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું વિકેટ ઝડપવાનું સપનું દરેક બોલર જુએ છે, પરંતુ આઇપીએલની આ સિઝનમાં વિરાટ કોહલીએ સ્પિનર્સને પોતાની વિકેટ ઝડપવાની ભરપૂર તકો પૂરી પાડી. આ સિઝનમાં બેંગલુરુનો કેપ્ટન કુલ ૧૧ વાર આઉટ થયો, જેમાં આઠ વાર વિરાટને સ્પિન બોલરે આઉટ કર્યો. ઉલ્લેખનીય છે કે આઇપીએલના ઇતિહાસમાં આ પહેલાં ક્યારેય કોઈ પણ સિઝનમાં કોઈ પણ સ્પિનર વિરાટ કોહલીને આઉટ કરી શક્યો નહોતો, પરંતુ આ વખતની સિઝનમાં સ્પિન બોલર્સ સામે વિરાટ આઉટ થતો રહ્યો.

ગૌતમ પહેલાં આઇપીએલની વર્તમાન સિઝનમાં સાત વાર વિરાટ અન્ય સ્પિનર બોલરનો શિકાર બની ચૂક્યો હતો. કોહલી ઉપરાંત બેન સ્ટોક્સ અને લોકેશ રાહુલ પણ સાત-સાત વાર સ્પિન બોલરના શિકાર બન્યા. વર્તમાન સિઝનમાં વિરાટ કુલ ૧૪ મેચ રમ્યો, જેમાં તેણે ૪૮.૧૮ની સરેરાશથી ૫૩૦ રન બનાવ્યા. વિરાટનો સર્વોચ્ચ સ્કોર ૯૨ રનનો રહ્યો.

રાજસ્થાન સામે રમતા બેંગલુરુનો કેપ્ટન વિરાટ માત્ર ચાર રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો. મેચની ત્રીજી જ ઓવરમાં કૃષ્ણપ્પા ગૌતમની બોલિંગમાં વિરાટ ક્લીન બોલ્ડ થઈ ગયો. ગૌતમ ઓફ સ્પિનર છે. આઇપીએલ ૨૦૧૮માં એવું આઠમી વાર બન્યું, જ્યારે સ્પિનરે વિરાટને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો હોય.

સાતમી વાર વિરાટ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો હતો. છઠ્ઠી વાર દિલ્હી સામે રમાયેલી મેચમાં અમિત મિશ્રાએ વિરાટને ઋષભ પંતના હાથમાં ઝિલાવી દીધો હતો.
પાંચમી વાર વિરાટ હૈદરાબાદ સામે શાકિબ અલ હસનનો શિકાર બન્યો. શાકિબની બોલિંગમાં યુસુફ પઠાણે વિરાટનો કેચ ઝડપ્યો.

ચોથી વાર ચેન્નઈ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલી રવીન્દ્ર જાડેજાના પહેલા જ બોલ પર ક્લીન બોલ્ડ આઉટ થઈ ગયો હતો. ત્રીજી વાર વિરાટ રાજસ્થાન સામેની મેચમાં શ્રેયસ ગોપાલનો શિકાર બન્યો હતો. ડાર્સી શોર્ટે વિરાટનો કેચ ઝડપ્યો હતો.

બીજી વાર પંજાબ સામેની મેચમાં અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાને વિરાટને બોલ્ડ આઉટ કર્યો હતો.
પહેલી વાર કોલકાતા સામેની મેચમાં વિરાટ કોહલી ઓફ સ્પિનર નીતિશ રાણાનો શિકાર બન્યો હતો.

You might also like