અપાર સુખ આપનાર વિનાયક ચતુર્થી

દરેક મહિને શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ શ્રી સિદ્ધિ વિનાયક ચતુર્થી વ્રત કરવાનું વિધાન છે. વ્રત કરવાનુ સામર્થ્ય ન હોય તો પુરાણોમાં કેટલીક વિશેષ વિધિ અને ઉપાય બતાવ્યા છે જેને કરીને આપણે ગણાધિપતિને પ્રસન્ન કરી શકીએ છીએ. ગણેશજીની પૂજા ઉપાસનાથી પારિવારિક ક્લેશથી મુક્તિ મળે છે. વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

શાસ્ત્રો મુજબ ગણેશજીને બે પત્ની રિદ્ધિ સિદ્ધિ અને પુત્ર શુભ અને લાભ બતાવ્યા છે. ભગવાન ગણેશ વિધ્નહર્તા છે અને તેમની પત્ની રિદ્ધિ-સિદ્ધિ યશસ્વી, વૈભવશાળી અને પ્રતિષ્ઠિત બનાવનારી હોય છે અને શુભ લાભ દરેક સુખ સૌભાગ્ય આપવા સાથે તેને સ્થાયી અને સુરક્ષિત રાખે છે.

સૌ પ્રથમ ભગવાન લંબોદરને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરો અને તેમના ચિત્રનું વિધિપૂર્વક પંચોપચાર પૂજન કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો, ચંદનની અગરબત્તી પ્રગટાવો. સફેદ ફૂલ ચઢાવો. શ્વેત ચંદનથી તિલક કરો. માવાના પેંડાનો નૈવૈદ્ય લગાવો. બંને હાથમાં માવા અને શમીનાં કેટલાંક પાન લઈને ગણપતિજીની ગં ગણપતયૈ નમઃમંત્ર બોલતા અર્પિત કરો. પછી બંને હાથમાં અક્ષત(પૂર્ણ ચોખા) લઈને આ મંત્ર બોલતાં બોલતાં અક્ષત ગણેશજીને અર્પિત કરો.

કોઈપણ શુભ કાર્યની શરૂઆત વિધ્નહર્તાની આરાધનાથી થાય છે. સાધારણ પૂજા હોય કે ખાસ સૌથી પહેલાં તો ભગવાન ગણેશનું જ સ્મરણ કરવાનું હોય છે. ૩૩ કરોડ દેવી દેવતાઓમાં માત્ર તેમને જ પ્રથમ પૂજ્ય હોવાનો અધિકાર મળ્યો છે.

જ્યોતિષ શાસ્ત્રના મતે ભગવાન ગણેશને અનેક રૂપમાં પૂજવામાં આવે છે. તેમના દરેક રૂપનું અલગ મહત્વ છે. ઘરના મુખ્ય દરવાજાની ઉપર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાથી શુભ પ્રભાવ વધે છે. આ ઘરની સુખ શાંતિની રક્ષા સ્વયં ગણેશજી કરે છે. આ ઘરમાં નકારાત્મકતા કે વાસ્તુદોષ પ્રવેશ કરતાં નથી.ગણેશજી તેના ભક્તના દરેક કામ પૂર્ણ કરે છે.

ભગવાન ગણેશજીના અલગ અલગ સ્વરૂપની પૂજા મનોકામના અનુસાર પણ કરવામાં આવે છે. જેમકે સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગણેશની પૂજા, વિદ્યાપ્રાપ્તિ માટે વિદ્યા ગણપતિ, ઘરમાં અશાંતિ હોય ભૂત પ્રેતની બાધા સતાવતી હોય તો નૃત્ય કરતાં ગણપતિની સ્થાપના કરવી જોઈએ.ગણેશજીનું આ સ્વરૂપ પ્રસન્નચિત્ત રાખે છે અને ઉપરોક્ત બાધાઓ દૂર કરે છે.

શુકલ પક્ષની ચોથએ વિનાયક ચતુર્થી કહેવાય છે જ્યારે કૃષ્ણ પક્ષની ચોથએ સંકટ ચતુર્થી કહેવાય છે. પણ જો સંકટ ચતુર્થી મંગળવારના દિવસે હોય તો તે ગણેશ અંગારકી ચતુર્થી ગણાય છે. ગણેશ અંગારકી, ચતુર્થી વિશે શ્રી ગણેશ પુરાણમાં વિસ્તારપૂર્ણ ઉલ્લેખ જોવા મળે છે, જેમાં ગણેશજી દ્વારા મંગલદેવને એવું વરદાન આપવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે ગણેશ ચતુર્થીની તિથિ કેવી રીતે અંગારકી ચતુર્થી તરીકે પ્રખ્યાત થશે.

ગણેશ પુરાણની કથા મુજબ આજના સમયમાં પણ શ્રી ગણેશ અંગારકી ચતુર્થી પ્રસિદ્ધ છે.ગ્રહોમાં સેનાપતિનું સ્થાન ધરાવતા મંગળના અધિષ્ઠાતા દેવતા તરીકે શ્રી ગણેશજી છે. પૃથ્વી પુત્ર મંગળે ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપશ્ચર્યા કરી હતી.

મંગળદેવની તપશ્ચર્યા અને ભકિતથી પ્રસન્ન થઇ ગણેશજીએ તેમને દર્શન આપ્યા હતાં. અને એવું વરદાન આપ્યું હતું કે, ચતુર્થી તિથિ અને મંગળવારનો સંયોગ જ્યારે આવશે એ તિથિ અંગારકી ચતુર્થી તરીકે પ્રસિદ્ધ થશે અને આ દિવસે જે ભાવિકો ગણેશજીની વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરશે તો આ પૂજા પાઠથી સમગ્ર દેવગણનું પૂજન થઇ જશે.•

You might also like