260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવીની આખરે શરણાગતિ

અમદાવાદ: રાજ્યમાં ચકચાર મચાવનારા ર૬૦ કરોડ રૂપિયાના ક‌િથત કૌભાંડના માસ્ટર માઇન્ડ વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ ગઇ કાલે સીઆઇડી સમક્ષ નાટકીય ઢબે હાજર થઇ ગઇ છે.

સીઆઇડી આજે ભાર્ગવી શાહને કોર્ટમાં રજૂ કરશે અને ૧પ દિવસના રીમાન્ડની માગ કરવાની છે ત્યારે પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને તેમના પુત્ર સ્વપ્નિલ રાજપૂતની ભાગીદારી મામલે પણ પૂછપરછ કરવાના છે. સિવાય વિનય શાહની ક‌િથત સ્યુસાઇડ નોટ તેમજ ઓડીયો ક્લીપમાં ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ સહિત જેના પર તોડ કરવાના આરોપ છે તે મામલે પણ પૂછપરછ કરવામાં આવશે. વિનયના એજન્ટ ક્યાં છે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થશે.

કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ ગઇ કાલે સી.આઈ.ડી. ક્રાઈમની ગાંધીનગર ખાતેની ઓફિસમાં નાટકીય ઢબે હાજર થઇ હતી. આ કેસમાં વિનયના એજન્ટો દાનસિંહ વાળા અને પ્રગતિ વ્યાસ વોન્ટેડ છે. વિનય શાહની નેપાળમાં ધરપકડ પછી ભાર્ગવી હાજર થઇ છે.

ભાર્ગવી શાહ હાજર થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમે ભાર્ગવી અત્યાર સુધી ક્યાં હતી, તેણે કોને ત્યાં આશરો લીધો હતો, તેને કોણે મદદ કરી વગેરે દિશામાં તપાસ શરૂ કરી છે. વિનય અને ભાર્ગવી એકબીજાના સંપર્કમાં હોવાનું પણ પોલીસ કહી રહી છે.

વિનય શાહની પત્ની ભાર્ગવી પુત્ર મોનિલના નામે શેરબજારમાં લેવડદેવડ કરતી હતી. ભાર્ગવી અને મોનિલના ડીમેટ એકાઉન્ટની તપાસ કરતા સીઆઈડી ક્રાઈમને જાણવા મળ્યું હતું કે બંનેના ડીમેટ એકાઉન્ટમાં કુલ રૂ. ૧.ર૭ કરોડના શેર હતા, જે ફ્રીઝ કરાયા છે.

વિનય શાહની કંપનીના અલગ અલગ બેંક ખાતા છે, જેમાં કુલ બેલેન્સ રૂ.૧૦,૧૮,૦૦પ છે, ભાર્ગવીના ૬ ખાતા છે, જેમાં કુલ બેલેન્સ રૂ.૮,૪૬,૩૯ર છે. અન્ય આરોપી દાનસિંહ વાળા તથા તેના પરિવારના સભ્યોના કુલ ૧૧ અલગ અલગ બેંક ખાતામાં કુલ બેલેન્સ રૂ.ર૯,૭૦,ર૧૩ મળી આવ્યા છે.

વિનય શાહના કૌભાંડનો ભોગ બનેલા લોકોને નિવેદનો નોંધાવવા માટે અપીલ કરવામાં આવી હતી જેના પગલે અત્યાર સુધીમાં કુલ પપ૮ લોકોએ તેમના નિવેદનો પોલીસ સમક્ષ નોંધાવ્યા છે. અત્યાર સુધીમાં ભોગ બનનાર લોકોને ૪.૮૪ કરોડ કરતા વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. નેપાળના પોખરાથી વિનય શાહ અને તેની મિત્ર-સહેલી ચંદાની નેપાળ પોલીસે વિદેશી ચલણી નોટ સાથે ધરપકડ કરી હતી.

વિનય શાહ અને ભાર્ગવી શાહે આર્ચર કેર ડીજી એલએલપી કંપની ખોલી હતી. તેઓ કંપનીની આડમાં પાંચ હજારથી લઇને રપ હજાર રૂપિયા સુધીની રકમ ડીપોઝીટ પેટે લેતા હતા. તેઓ ગ્રાહકોને ઓનલાઇન વેબસાઇટ પર જાહેરાતો જોવાનું કહીને તેના બદલામાં ૧૮ ટકા વળતર દર મહિને આપવાનું કહેતાં હતાં. આ પ્રકારે ઠગ દંપતીએ એક લાખ ગ્રાહકો બનાવીને ર૬૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા.

આ ઘટનામાં વિનય શાહ તેની પત્ની અને એજન્ટ વિરુદ્ધમાં એક પછી એક પોલીસ ફરિયાદ થવા લાગી હતી, જેથી આ સમગ્ર કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માટે રાજ્યના પોલીસવડાએ આદેશ આપ્યા હતા. વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટ, બાદ તેના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂત સાથે થયેલી ક‌િથત ઓડીયો ક્લીપે લોકોમાં ચર્ચા જગાવી હતી.

આ કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ મીડીયાના કેટલાક રિપોર્ટર સહિત રાજનેતાએ લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાના આક્ષેપો પણ ઊઠ્યા હતા. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાએ જણાવ્યુ છે કે વૈભવીના ૧પ દિવસના રીમાન્ડ માગવાના છે, જેમાં સુરેન્દ્રસિંહ રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની આર્ચર કેર કંપનીમાં ભાગીદારી હતી કે નહીં તે મામલે તપાસ કરવામાં આવશે.

You might also like