જો તમારે પણ Vehicle માં જૂની નંબર પ્લેટ બદલવાની છે, તો જાણો આ નિયમ…

0 127

અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજ્યભરનાં વાહનોમાં જૂની નંબર પ્લેટના બદલે હવે હાઇ‌ સિકયોરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) ફરજિયાત લગાવવા માટેની સરકારે મુદત વધારી હોવા છતાં વાહન માલિકોની મુશ્કેલીનો અંત આવ્યો નથી. જૂનાં વાહનોની નંબર પ્લેટ બદલવા જતાં વાહનચાલકો માટે હવે તંત્રએ નવો ફતવો બહાર પાડયો છે કે, ‘તમારાં વાહનની જૂની નંબર પ્લેટ ગેરેજમાં કઢાવીને પછી જ આવવું.’

આવા ફતવાના કારણે વાહનચાલકોને ગેરેજવાળા સુધી જૂની નંબર પ્લેટ કઢાવવા જવાની ફરજ પડી છે, પરંતુ હવે તો આરટીઓના કમ્પાઉન્ડમાં જ જૂની નંબર પ્લેટ કાઢી આપનારા મિકેનિકોએ હાટડી ખોલી દીધી છે.

આરટીઓનાં કમ્પાઉન્ડમાં ઝાડ નીચે ઊભા રહેતાં ટોળાના મિકેનિકોને જેવી ખબર પડે કે વાહનચાલક નવી નંબર પ્લેટ નખાવવા માટે આવેલ છે કે તરત જ વાહનચાલક સાથે અહીં બેઠા જ તમારી નંબર પ્લેટ કાઢી આપું. તે પ્રકારે સેટિંગ કરી લે છે. વાહનચાલકને પણ ગેરેજ સુધી ધક્કો નહીં ખાવો પડતાં આરટીઓ કમ્પાઉન્ડમાં જ આ પ્રકારની સગવડ મળી રહેતી હોવાથી તે પણ રૂ.ર૦થી પ૦ આપીને જૂૂની નંબર પ્લેટ કઢાવી લે છે.

આરટીઓમાં નવી એચએસઆરપી નંબર પ્લેટ નખાવવા આવતા ૮૦ ટકા વાહનચાલકોને ખબર નથી કે તેમણે તેમનાં વાહનની જૂની નંબર પ્લેટ જાતે કઢાવીને જ આવવાનું છે. જ્યારે તેઓ એચએસઆરપી માટેનું ફોર્મ ભરે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમને એજન્સી માત્ર નવી નંબર પ્લેટ જ નાખી આપશે.

જૂની કાઢી આપશે નહીં. તેથી તેઓ પણ શોર્ટકટ અપનાવીને ગ્રાઉન્ડમાં ફરતા છોકરાઓ પાસે ભાવ બાબતે રકઝક કરીને સેટિંગ કરી લે છે. કારણ કે જો તેઓ ગેરેજ સુધી લાંબા થાય તો રૂ.પ૦ થી ૧૦૦નો ખર્ચ કરવો પડે.

નંબર પ્લેટ એજન્સીની રજૂઆત છે કે અમારું કામ માત્ર નવી એચએસઆરપી નંબર પ્લેટ લગાવી આપવાનું છે. એજન્સી સાથે જ્યારે એચએસઆરપી માટે કરાર થયા ત્યારે નવાં વાહનોમાં જ નંબર પ્લેટ નાખી આપવાની વાત હતી. જેથી તેઓ કહે છે કે જૂની નંબર પ્લેટ કાઢવાનું કામ અમારું નથી. અમે એ પણ કામ કરીએ તો સમયનો વ્યય પણ થાય અને તેનાં નાણાં ચૂકવણી અંગે કોઇ જોગવાઇ પણ નથી.

આરટીઓ જી.એસ. પરમાર કહે છે, હા અમે નિયમ જાહેર કર્યા છે. સૂચન બોર્ડ પણ મૂકયું છે અને વાહનચાલકે ભરવાનાં થતાં એક ફોર્મમાં પણ તેનો ઉલ્લેખ કરેલો છે કે જૂનાં વાહનની નંબર પ્લેટ કઢાવીને એચએસઆરપી લગાવવા આવવું. આરટીઓના કમ્પાઉન્ડમાં બહારથી આવતા આ પ્રકારના નંબર પ્લેટ કાઢી આપનારા મિકેનિકોને પ્રવેશવા દેવામાં આવશે નહીં.

વાહનચાલકોને આ વાતની ખબર નહીં હોવાથી તેઓ જ્યારે ડોકયુમેન્ટ અપલોડ, પૈસા ભર્યાની પહોંચ વગેરે તમામ વહીવટી કામગીરી બેથી ત્રણ કલાકમાં પૂરી કરીને નંબર પ્લેટ લગાવવા આવે ત્યારે તેમને આ વાતની જાણ થાય છે.
નોકરી ધંધા છોડીને આવતાં વાહનચાલકોનું ધ્યાન મોટા ભાગે આ સૂચન બોર્ડ પર જતું નથી અને ફોર્મ ભરે છે ત્યારે ખબર પડતી હોવાથી નંબર પ્લેટ લગાવવાના આખરી તબક્કે પહોંચેલા વાહનચાલકને જૂની નંબર પ્લેટ કઢાવવા આસપાસના ગેરેજવાળા પાસે ધક્કો ખાવો પડે છે.

ગેરેજવાળા રૂ.પ૦ કે ૧૦૦ લઇને જૂની નંબર પ્લેટ કાઢી આપે એટલે વાહનચાલકને રૂ.૧૦૦ની નંબર પ્લેટ રૂ.ર૪૦માં પડે એ તો ઠીક પણ બે ધક્કા અને સમયનો વ્યય વધારાનો. કોઇ પણ વાહનચાલકને જૂની નંબર પ્લેટ બદલે એચએસઆરપી લગાવવી હશે તો કચેરીમાં કે બિઝનેસમાં રજા રાખવી પડશે.

એક તરફ એચએસઆરપી લગાવવાની સરકારે મુદત વધારી છે, પરંતુ બીજી તરફ આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓનો પૂરતો સ્ટાફ નથી એ બાબતે ધ્યાન અપાયું નથી. એટલું જ નહીં ખુદ આરટીઓ તંત્ર પાસે પણ પૂરતો સ્ટાફ નથી. અત્યંત જૂનાં વાહનોમાં એચએસઆરપી લગાવવાનું મુશ્કેલ હોઇને ખુદ એજન્સી કલેમ્પ કે રબરની ગાસ્કેટ લગાવી આપવાનું સૂચન કરે છે.

એટલે નવી નંબર પ્લેટના રૂ.૧૪૦ (ટુ વ્હીલર માટે) રૂ.પ૦થી ૧૦૦ જૂની નંબર પ્લેટ કઢાવવાના અને રૂ.પ૦ રબરની ગાસ્કેટ અથવા કલેમ્પ લગાવવાના. આમ વાહનચાલકને કાયદાનું પાલન કરવા માટે રૂ.૧ના ૩ ખર્ચવાનો વારો આવતાં વાહનચાલકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

કેટલાક કિસ્સામાં જૂની નંબર પ્લેટ ઉપર નવી એચએસઆરપી લગાવી દેવાય છે. સરવાળે વાહનચાલકને રૂ.૧૪૦ની નંબર પ્લેટ રૂ.૩૦૦માં પડશે. એટલે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થશે.

loading...

Leave A Reply

Your email address will not be published.