આજના વાતાવરણમાં પણ ‘વેલેન્ટાઈન ડે’ની અસર થઈ

અમદાવાદ, બુધવાર
આજની ૧૪મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના પ્રેમી હૈયાઓના થનગનાટના દિવસે જાણે કે કુદરત પણ વેલેન્ટાઈન ડેની અસર હેઠળ આવ્યું હોય તેમ આજે સવારથી શહેરનો માહોલ વાદળછાયા વાતાવરણથી ખુશનુમા થયો છે. આવા માહોલથી ઠંડીનો ચમકારો પણ જણાયો હતો.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું જોર ઘટવાથી ઘર-ઓફિસમાં પંખા અને એસી ચાલુ થઇ ગયાં હતાં. ગઇ કાલે તો શહેરનું મહત્તમ તાપમાન ૩૦.ર ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયું હતું, પરંતુ ફાંટાબાજ કુદરતના કરિશ્માથી આજે સવારથી માહોલમાં અચાનક પરિવર્તન આવ્યું છે.

શહેરીજનોએ આજે સવારે ઠંડાગાર પવનનો અનુભવ કર્યો હતો. ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશા ધરાવતા ઠંડા પવનથી લોકોએ ઠંડી અનુભવી હતી. ખાસ કરીને સવારે સ્કૂલ-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને નોક‌િરયાત વર્ગને ફરીથી ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.

દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રોએ આજે શહેરમાં નોંધાયેલું ૧૬.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન આગામી પાંચ દિવસ સુધી જળવાઇ રહે તેવી આગાહી કરી છે.

આજે શહેરમાં નોંધાયેલું લઘુતમ તાપમાન સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી વધુ હતું. આ દરમ્યાન ગુજરાતનાં પ્રમુખ શહેરોની આજની ઠંડી તપાસતાં વલસાડ ૧૩.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું ઠંડુંગાર શહેર બન્યું હતું. ડીસા ૧૪.૪, વડોદરા ૧૭.૪, સુરત ર૧.૦, રાજકોટ ૧૬.૯, પોરબંદર ૧૮.૬, દ્વારકા ર૦.૧, ઓખા ર૧.પ, ભાવનગર ર૦.૬, ભૂજ ૧૪.૮, ન‌િલયા ૧પ.૪, સુરેન્દ્રનગર ૧૭.પ, કંડલા ૧૬.૪, ઇડર ૧૮.૮, અમરેલી ૧૮.૯, ગાંધીનગર ૧૪.ર, મહુવા ૧૯.પ, દીવ ૧૪.૩ અને વલ્લભ વિદ્યાનગરમાં ૧૭.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

You might also like