VIDEO: વડોદરામાં ગટરની દુર્ગંધને કારણે મહિલાનું મોત, પરિવારજનોની ઉગ્ર રજૂઆત

વડોદરાઃ શહેરનાં ફતેહગંજ સદર બજારમાં એક મહિલાનું ગટરની દુર્ગંધને કારણે મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ વહિવટીતંત્ર પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. મૃતક મહિલા સદર બજારમાં દુકાન ધરાવતી હતી અને ઉભરાયેલી ગટરને લઈને વખતો વખત તંત્ર સમક્ષ લેખીતમાં રજૂઆત કરી હતી.

જો કે તંત્રએ આંખ આડા કાન કર્યા હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. દુર્ગંધને કારણે મહિલાને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે ચાલુ સારવારમાં જ મહિલાનું મોત થતાં પરિવારજનોએ વહિવટી કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી.

જે બાદ તંત્ર દ્વારા ગટર સાફ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. મહત્વનું છે કે એક મહિલાનાં મોત બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે. જો કે આગામી દિવસોમાં પણ વહિવટીતંત્ર કોઈ માણસનો જીવ જાય તે પહેલાં તકેદારીનાં ભાગ સ્વરૂપે ગટરલાઈનની કામગીરી પૂર્ણ કરે તે જરૂરી છે.

મહત્વનું છે કે શહેરનાં ફતેગંજ વિસ્તારમાં આવેલ સદર બજારમાં છેલ્લાં કેટલાંય સમયથી ડ્રેનેજની ગટરનું પાણી ઉભરાઈ રહ્યું હતું. કોર્પોરેશનનાં વોર્ડ નંબર 7માં અનેક રજૂઆત કરાઇ હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કામગીરી ન કરાતા એક મહિલાનું મોત થયું હતું. ફિરદોશ સોદાગર નામની મહિલા ફતેગંજ સદર બજારમાં જનરલ સ્ટોર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં.

મહિલા પોતે દરરોજ દુકાન પર બેસતાં હતાં અને બરાબર દુકાનની સામે ગટરની દુર્ગંધ ફેલાતાં પાણીથી સ્થાનિક લોકો ખૂબ પરેશાન થઇ ગયાં હતાં. જેથી ગટરની આ દુર્ગંધથી અચાનક જ તે મહિલાની તબિયત લથડી અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

તેમનાં પરિવારજનોએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લાં કેટલાંક સમયથી ડ્રેનેજનું પાણી ઉભરાય છે પરંતુ હજી સુધી કોઇ જ નિકાલ થયો નથી ને બાદમાં ગટરનાં ગંદા પાણીની વાસથી મહિલાનું મોત થયું હતું.

You might also like