વડોદરાઃ M.S યુનિવર્સિટી ફરી વાર વિવાદમાં, IIT આશ્રમની પરીક્ષામાં અવ્યવસ્થાથી 6 હજાર વિદ્યાર્થીઓ અટવાયાં

વડોદરાઃ શહેરની M.S યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોનાં ઘેરામાં સંપડાઈ છે. યુનિવર્સિટીમાં વાલીઓએ ચાલુ પરીક્ષામાં વ્યવસ્થાની ઉણપને કારણે ફરી એક વાર હોબાળો મચાવ્યો છે. યુનિવર્સિટીમાં IIT આશ્રમ દ્વારા જનરલ નોલેજની પરીક્ષા યોજાઈ હતી. જેમાં વ્યવસ્થાનો અભાવ જોવાં મળ્યો હતો. જનરલ નોલેજની યોજાયેલી પરીક્ષામાં 6 હજાર જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં હતાં.

શહેરનાં 6 હજાર જેટલાં સ્ટુડન્ટની જનરલ નોલેજની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેનો સમય સવારે 9થી 12નો રાખવામાં આવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ગયાં હતાં. જો કે પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થાને લગતાં કોઇ પણ પ્રકારનાં બોર્ડ ન લગાવ્યાં હોવાંથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયાં હતાં અને જ્યાં જગ્યા મળે તે ક્લાસમાં વિદ્યાર્થીઓ બેસી ગયાં હતાં. જેથી તમામ રૂમમાં ઠાસી ઠાસીને વિદ્યાર્થીઓ ભરાઇ ગયાં હતાં. તેમજ 9 વાગ્યે વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યાં હતાં.

જો કે થોડીવારમાં જ વિદ્યાર્થી પાસેથી પેપર પાછા લઇ લેવામાં આવ્યા હતા અને ક્લાસરૂમની બહાર મોકલી આપવામાં આવ્યાં હતાં. આથી વિદ્યાર્થીઓનાં વાલીઓએ ઘટનાસ્થળે ભારે હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટીમાં હોબાળો થતાં આયોજકો પરીક્ષા ખંડેથી જ નાસી છુટ્યાં હતાં. જો કે આ સમગ્ર ઘટનાની જાણ સયાજીગંજ પોલીસ સ્ટેશનને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લઇ લીધી હતી.

You might also like