VIDEO: વડોદરાનાં ગેરકાયદેસર દબાણ હટાવવા મામલે PSIને માર્યો ઢોર માર

વડોદરા:  શહેરનાં સુભાનપુરા વિસ્તારમાં અમુલ એપાર્ટમેન્ટની દુકાન ખાલી કરાવતાં સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતાં માહોલ વધારે તંગ બની ગયો હતો.

અમુલ એપાર્ટમેન્ટ વર્ષ 2016માં જર્જરિત હોવાનાં કારણે એપાર્ટમેન્ટનાં ઉપરનાં 3 માળને તોડી પડાયાં હતાં. જે મામલે નીચલી કોર્ટમાં સ્ટે ચાલી રહ્યો હતો. જે આજે સ્ટે હટતા પાલિકાની દબાણ શાખાની ટીમે શોર્ટ નોટિસ આપી એપાર્ટમેન્ટમાં આવેલી દુકાનોને ખાલી કરાવવા માટે સ્થાનિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

તેઓએ ત્યાં જઇને 6 દુકાનો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સ્થાનિક અને પોલીસ વચ્ચે એક સમયે અચાનક જ ઉગ્ર બોલાચાલી થતાં મામલો બીચકતાં ત્યાં એવાં સમયે છુટ્ટા હાથની મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતાં.

દબાણ શાખાની ટીમ જ્યારે ડીમોલેશન કરી રહી હતી ત્યારે સ્થાનિક દુકાનદારો દુકાનની અંદર હતાં અને બહાર નીકળતા ન હોતાં જેથી પોલીસે સ્થાનિકોને ઇજા ના થાય તે માટે બહાર કાઢતાં હતાં ત્યારે સ્થાનિકો દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ પર હુમલો કરવામાં આવતાં એક સમયે ત્યાં વાતાવરણ ભારે ઉગ્ર બન્યું હતું.

પીએસઆઈએ પોતાનાં સ્વ બચાવમાં પિસ્તોલ પણ નીકાળી હતી. ત્યાર બાદ સ્થાનિક દુકાનદારોની તબિયત લથડતાં અચાનક બે દુકાનદારોને 108 બોલાવીને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતાં.

સ્થાનિકોએ કોર્પોરેશન પર એવો આક્ષેપ કર્યો હતો કે હાઇકોર્ટમાં તારીખ હોવાથી કોર્ટનું અપમાન કરીને તેઓ ડીમોલેશનની કામગીરી કરી રહ્યાં છે. લેટર હોવા છતાં અધિકારીએ કોર્ટનાં હુકમનું પાલન નહીં કરતાં આગામી દિવસોમાં કોર્પોરેશન પર કેસ કરવામાં આવશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી.

You might also like