USના NSA રાઈસે ડોભાલ સાથે વાત કરીને ઉરી હુમલાની ઝાટકણી કાઢી

વોશિંગ્ટન: કાશ્મીરના ઉરીમાં આતંકી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતના વલણને સતત સમર્થન મળી રહ્યું છે. આ સંદર્ભમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુસન રાઈસે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ફોન પર વાતચીત કરી હતી અને ઉરીમાં ભારતીય લશ્કરના કેમ્પ પર થયેલા આતંકી હુમલાની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

રાઈસે જણાવ્યું હતું કે અમેરિકા ઈચ્છે છે કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરે. રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે રાઈસે પાકિસ્તાન સમક્ષ અમેરિકાની આ આશાને દોહરાવી હતી કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરાયેલમં લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ જેવાં આતંકી સંગઠનો સામે અસરકારક કાર્યવાહી કરે.

ઉરી આતંકી હુમલા બાદ પ્રથમ વાર ડોભાલ સાથે ફોન પર થયેલી વાતચીતમાં સુસન રાઈસે હુમલાની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને શહીદો તેમજ તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પ્રાઈસે જણાવ્યું હતું કે તેમણે સમગ્ર દુનિયામાં આતંકવાદ ફેલાવી રહેલા લોકો વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહીને વધારવા માટે રાષ્ટ્રપ્રમુખ ઓબામાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

You might also like