US દ્વારા China પર 200 અબજ ડોલરની ડ્યૂટી લગાવવાનો તખતો તૈયાર

અમદાવાદ:  અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોર વધુ તેજ બની છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ચીનથી આયાત થતી વિવિધ ચીજવસ્તુઓ પર વધારાની ડ્યૂટી લાદવાો તખતો તૈયાર કર્યો છે. અમેરિકા ચીનથી આયાત થતી ૨૦૦ અબજ ડોલરની વિવિધ ચીજવસ્તુઓ પર ૧૦ ટકા ડ્યૂટી લાદી શકે છે.

એવું મનાય છે કે આ ચીજવસ્તુઓ પર સપ્ટેમ્બર પહેલાં ડ્યૂટી લાગી શકે છે, જેમાં ચીનથી આયાત થતી છ હજાર જેટલી ચીજવસ્તુ પર વધારાની આયાત ડ્યૂટી લાદવા માટે પસંદ કરાઇ છે. કેટલીક ફૂડ પ્રોડક્ટ, ટોબેકો, કોલ, કેમિકલ્સ, કૂતરાં અને બિલાડી માટેનું ફૂડ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ તથા ટેલિવિઝનના પાર્ટ્સ ઉપર વધારાની ડ્યૂટી લાદવાની દરખાસ્ત કરી છે.

નોંધનીય છે કે પાછલા સપ્તાહે જ ટ્રમ્પ વહીવટીતંત્રએ ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ ૩૪ અબજ ડોલરની આયાત ડ્યૂટી લાદી હતી. નોંધનીય છે કે અમેરિકા સ્થાનિક ઈકોનોમીને વધુ મજબૂત કરવા તથા રોજગારીમાં વધારો થાય તે માટે આયાત થતી ચીજવસ્તુઓ પર ડ્યૂટી લાદી રહ્યું છે.

દરમિયાન અમેરિકા દ્વારા આયાત ડ્યૂટી વધારવાના લેવાયેલા એક્શન બાદ આજે શરૂઆતે મોટા ભાગનાં એશિયાઇ શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ ૪૬૮ પોઇન્ટ તૂટ્યો હતો. એ જ પ્રમાણે જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં પણ ૩૦૦ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો. તાઇવાન, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને ચીનનો શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં ખૂલ્યો હતો.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અમેરિકાએ ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ડ્યૂટી લાદતાં ટ્રેડ વોર વધુ તેજ થઇ છે અને વિશ્વના અન્ય દેશો ઉપર પણ તેની અસર જોવાશે તેવી ભીતિ વ્યક્ત કરાઇ છે.

You might also like