US ઓપનઃ એલિઝાએ કોર્ટ પર ટોપ બદલ્યું તો ઘમસાણ મચી

ન્યૂયોર્કઃ યુએસ ઓપનમાં અમ્પાયર પર લૈંગિક ભેદભાવ રાખવાનો આરોપ લાગ્યો છે. એક તાજી જ ઘટના ફ્રાન્સની ટેનિસ ખેલાડી એલિઝા કોર્નેટ સાથે સંકળાયેલી છે. ફ્રાન્સની ટેનિસ ખેલાડી એલિઝા કોર્નેટે મેચમાં બ્રેક દરમિયાન તેનું ટોપ બદલ્યું હતું, જેના કારણે ચેર અમ્પાયરે તેને નિયમોના ભંગ બદલ દોષી જાહેર કરી દીધી.

મામલો એવો હતો કે જ્યારે મહિલા ખેલાડી બ્રેક બાદ કોર્ટ પર પરત ફરતી હતી ત્યારે તેણે ટોપ ઊંધું પહેર્યું હોવાનો ખ્યાલ આવતાં ખૂબ ઝડપથી કોર્ટ પર જ તેનું ટોપ ઉતારી, તેને સીધું કરીને પહેર્યું હતું. ચેર એમ્પાયરને આ વાત અયોગ્ય લાગી અને તેમણે નિર્ણય સંભળાવી દીધો.

આ ઘટના બાદ ટ્વિટર પર આ મહિલા ખેલાડી અંગે લોકોએ અસંખ્ય ટ્વિટ કર્યા અને અમ્પાયરના નિર્ણયને લૈંગિક ભેદભાવવાળો ગણાવ્યો. યુએસ ઓપન સહિત અનેક મોટી ટૂર્નામેન્ટમાં પુરુષ ખેલાડીને ટીશર્ટ ઉતારતાં જોઈ શકાય છે. આ કારણે મહિલા ખેલાડી અંગેનો આ નિર્ણય લોકોને વિવાદાસ્પદ અને ભેદભાવવાળો લાગી રહ્યો છે.

યુએસ ઓપનમાં ગરમીના કારણે હિટ બ્રેક આપવાની જોગવાઈ કરવામાં આવી છે. એલિઝા સાથેની આ ઘટના બ્રેક દરમિયાન જ બની હતી.

પુરુષ ખેલાડીને કેમ કોઈ રોકતું નથી?
મહિલાઓ મેચ દરમિયાન કોર્ટ પર ક્યારેક જ કપડાં બદલે છે, જ્યારે પુરષ ખેલાડી ઘણી વાર ટીશર્ટ બદલે છે. ગત મંગળવારે નોવાક જોકોવિચ પણ ગરમીમાંથી રાહત મેળવવા માટે બ્રેક દરમિયાન ટીશર્ટ કાઢીને બેસી ગયો હતો. ગઈ કાલે નડાલ પણ કંઈક આવા જ અંદાજમાં જોવા મળ્યો નહોતો. હવે સવાલ એ થાય
છે કે એલિઝાને ટોપ ચેન્જ કરવા બદલ ચેતવણી મળતી હોય તો પુરુષ ખેલાડીને કેમ કોઈ રોકતું નથી?

You might also like