US OPEN: ચક્કર ખાઈને ઢળી પડી છતાં જો કોન્ટાએ મેચ જીતી

ન્યૂયોર્કઃ યુએસ ઓપનની મેચ દરમિયાન મહિલા ખેલાડી જો કોન્ટા નબળાઈને કારણે કોર્ટ પર જ ઢળી પડી હતી. ત્યાર બાદ તેણે બ્રેક લીધો. ડોક્ટરે જો કોન્ટાને બે વાર સારવાર આપી. ત્યાર પછી કોન્ટાએ જે વાપસી કરી એ જોઈને તેની પ્રતિદ્વંદ્વી નિરાશ જોવા મળી, જ્યારે દર્શકો ખુશખુશાલ થઈ ગયા, કારણ કે જો કોન્ટાએ અંતે મેચ જીતી લીધી હતી.
બ્રિટનની નંબર વન ખેલાડી જો કોન્ટા એક સમયે શ્વાસ લેવા માટે કોર્ટ પર સંઘર્ષ કરી રહી હતી. પરિસ્થિતિ એવી હતી કે કોર્ટ પર જ ડોક્ટરે કોન્ટાની સારવાર કરી. કોન્ટાએ એક પછી એક બે બ્રેક લીધા પછી તે પોતાની જાતને રમવા માટે તૈયાર કરી શકી. ત્રીજા સેટ સાથે કોન્ટાએ ૬-૨, ૫-૭, ૬-૨થી મેચ જીતી લીધી. દુર્ભાગ્યે ટિસ્વેટાના પિરનકોવા આ મેચ હારી ગઈ. ૨૦ મિનિટના બ્રેકથી બલ્ગેરિયાની ટિસ્વેટાના િપરનકોવા તૂટી ચૂકી હતી અને તે આ નિયમથી ખાસ્સી નારાજ પણ થઈ હતી.

કોન્ટા મેચ દરમિયાન થાકીને કોર્ટ પર જ સૂઈ ગઈ હતી. એ દરમિયાન ડોક્ટર, ફિઝિયો અને કોચે કોન્ટાને આઇસ બેગ આપી. આ સમગ્ર ઘટનાક્રમ પહેલી અને બીજી સર્વિસ દરમિયાન ચાલતો રહ્યો. બીજા રાઉન્ડમાં કોન્ટાએ સેટ પોઇન્ટનો સામનો કર્યો. કોન્ટાએ ડોક્ટરને કહ્યું, ”મારું આખું શરીર શોકમાં છે.” બ્રેક બાદ પાછા ફરતાં જ કોન્ટાએ ડબલ ફોલ્ટ કર્યો હતો. ત્યાર બાદ તેણે સાત મિનિટનો ટોઇલેટ બ્રેક લીધો ને રમત બદલાઈ ગઈ.

પિરનકોવાએ કહ્યું, ”ટોઇલેટ બ્રેક બાદ જે કંઈ બન્યું એ સમગ્ર ઘટનાક્રમ મારા માટે નિરાશ કરનારો હતો. મને લાગે છે કે મેચ થોડા વધુ સમય માટે રોકી દેવામાં આવી હતી. દરેક વાત નિયમ અનુસાર જ હતી, પરંતુ હું એ વાતથી બિલકુલ ખુશ નહોતી. હું વિચારું છું કે દરેક ખેલાડીએ આ બ્રેકનો ઉપયોગ કરવો જોઈએ. એમ તો કેટલાક ખેલાડી ફોક્સ બનાવી રાખવા આવું કરતા જ હોય છે, પરંતુ હું નથી માનતી કે તેઓ આ અંદાજમાં આ બ્રેકનો ઉપયોગ કરતા હશે.”

You might also like