US પ્રમુખની ચૂંટણીમાં રશિયાની સ્પષ્ટ સંડોવણી હતીઃ નિકી હેલી

વોશિંગ્ટન: સંયુક્ત રાષ્ટ્રસંઘમાં નિયુક્ત અમેરિકન રાજદૂત નિકી હેલીનું કહેવું છે કે અમેરિકાની ચૂંટણીમાં રશિયાએ ચોક્કસપણે દખલગીરી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મામલામાં સંપૂર્ણ તપાસ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં. નિકી હેલીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમેેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં દખલગીરી કરવાના મામલે રશિયાની ચોક્કસપણે સંડોવણી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં એજન્ડા સેટ કરવાનો આરોપ રશિયા પર મૂકવામાં આવ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ રશિયા પર રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનેે પ્રભાવિત કરવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ ટ્રમ્પના કેટલાય રશિયન વેપારીઓ સાથે નિકટના સંબંધો હોવાનું પણ જણાવાયું હતું, જોકે ટ્રમ્પ આ આક્ષેપને અનેક વખત જાહેરમાં ફગાવી ચૂકયા છે.

નિકી હેલી ભારતીય મૂળના અમેરિકન રાજદ્વારી છે. તેમણે એક મુલાકાતમાં રશિયાની સંડોવણી હોવાની વાતને સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે ચોક્કસપણે રશિયા અમેરિકામાં થયેલ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં સામેલ હતું અને તેણે દખલગીરી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ઇચ્છતા નથી કે કોઇ દેશ અમારી ચૂંટણીમાં દખલ કરે.

http://sambhaavnews.com/

You might also like