US ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક બાદ વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે એટલું જ નહીં, ચાલુ વર્ષમાં વધુ બે વખત વ્યાજના દરમાં વધારો કરવાના સંકેતો પણ ફેડરલ રિઝર્વ દ્વારા આપવામાં આવ્યા છે.

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના જણાવ્યા પ્રમાણે અમેરિકી ઇકોનોમી મજબૂતાઇથી આગળ ધપી રહી છે એટલું જ નહીં, બેરોજગારીમાં પણ ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો નોંધાયો છે. અમેરિકામાં ૨૦૧૮ના વર્ષ માટે બે ટકા મોંઘવારીદરનું અનુમાન છે, જ્યારે ૨.૮ ટકા ઇકોનોમિક ગ્રોથની આશા સેવવામાં આવી છે. દરમિયાન વર્ષ ૨૦૧૯માં ત્રણ વાર વ્યાજદરમાં વધારો થવાની શક્યતા છે.

યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવાના નિર્ણયના પગલે શેરબજાર પર તેની નકારાત્મક અસર જોવા મળી હતી. ડાઉ જોન્સ ૧૧૯ પોઇન્ટના ઘટાડે ૨૫,૨૦૧, જ્યારે નાસ્ડેક ૮ પોઇન્ટના ઘટાડે ૭,૬૯૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો હતો.

એ જ પ્રમાણે એસએન્ડપી-૫૦૦ શેરબજાર ઇન્ડેક્સ પણ ૧૧ પોઇન્ટના ઘટાડે ૨,૭૭૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. ૨૦૦૮ બાદ યુએસ બોન્ડ યીલ્ડ સૌથી ઊંચા સ્તરે જોવા મળી હતી. ૧૦ વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ ત્રણ ટકાની સપાટીને પાર પહોંચી ગઇ છે.

દરમિયાન પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે ઇસીબી-યુરોપિયન સેન્ટ્રલ બેન્કની બેઠક છે. બેઠકમાં બોન્ડ ખરીદી બંધ કરવાનો નિર્ણય થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ઇસીબીએ ૨૦૧૫માં બોન્ડની ખરીદી શરૂ કરી હતી. ઇસીબી મોંઘવારીનું અનુમાન પણ વધારી શકે છે.

You might also like