USના રોજગારી ડેટા પૂર્વે વિદેશી શેરબજાર તૂટ્યાં

અમદાવાદ: યુએસ રોજગારી ડેટા આવે તે પૂર્વે યુએસ સહિત એશિયાઇ બજાર તૂટ્યાં હતાં. ખાસ કરીને અમેરિકી શેરબજારમાં ટેક્નોલોજી સ્ટોકમાં ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ શેરબજાર ઇન્ડેક્સમાં ૩૧.૫૭ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૧૭,૬૮૫, જ્યારે એસએન્ડપી શેરબજાર ઇન્ડેક્સમાં ૪.૨૧ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૨૦૫૯ની સપાટીએ બંધ થયો હતો. વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપીએ ચીનનું રેટિંગ ઘટાડતાં તેની પણ અસર જોવા મળી હતી.

આજે શરૂઆતે મોટા ભાગનાં એશિયાઇ બજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. જાપાનના નિક્કી શેરબજાર ઇન્ડેક્સમાં ૪૭૦ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો. એ જ પ્રમાણે હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ ૨૭૧ પોઇન્ટ તૂટ્યો હતો. તાઇવાન શેરબજાર ઇન્ડેક્સ ચીનના શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ, દક્ષિણ કોરિયાના કોસ્પી શેરબજાર ઇન્ડેક્સમાં ૧૫.૯૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનના સ્લો-ડાઉનની અસર વિશ્વભરનાં મૂડીબજારમાં જોવાઇ શકે છે, તેની ચિંતામાં વિદેશી બજાર તૂટ્યાં હતાં.

યુએસ ઓઈલ કંપનીઓ આર્થિક મુશ્કેલીમાં
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ૪૦ ડોલરની સપાટીએ જોવા મળી રહ્યા છે. ક્રૂડમાં પાછલા કેટલાય સમયથી નરમાઇ તરફી માહોલ જોવા મળ્યો છે અને તેના કારણે યુએસની ઓઇલ કંપનીઓ આર્થિક મુશ્કેલીમાં સપડાઇ છે. પરિણામો નબળા આવે તેવી ભીતિએ ઓઇલ કંપનીઓની મુશ્કેલીઓ વધી છે.

You might also like