USના મહાબોમ્બનો ‘બાપ’ રશિયા પાસેઃ ATBIP ચાર ગણો પાવરફૂલ

મોસ્કો: અફઘાનિસ્તાનમાં ખોફનાક ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંકીઓ પર અમેરિકન સેનાએ સૌથી મોટો અને ઘાતકી બોમ્બ જીબીયુ-૪૩/બીએ ભારે તબાહી સર્જી છે. જોકે ‘ધ મધર ઓફ ઓલ બોમ્બ’ પણ દુનિયાનો સૌથી ખતરનાક બિનપરમાણુ બોમ્બ નથી. શું તમને ખબર છે કે રશિયાના શસ્ત્રાગારમાં તેનાથી પણ ચાર ગણો વધુ ખતરનાક અને ઘાતકી બોમ્બ છે?

એવિયેશન થર્મોબારિક બોમ્બ ઓફ ઇન્ક્રીઝડ પાવર (એટીબીઆઇપી) અમેરિકાના જીબીયુ-૪૩/બી બોમ્બથી ચાર ગણી પ્રહારક્ષમતા ધરાવતો બોમ્બ છે. જે બોમ્બનો ઉપયોગ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કર્યો હતો તેમાં ૧૧ ટીએનટી જેટલી તાકાત છે, પરંતુ રશિયાનો એટીબીઆઇપી બોમ્બ ૪૪ ટીએનટી જેટલી તાકાત સાથે તારાજી અને તબાહી સર્જી શકે છે.

રશિયન લશ્કરના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બોમ્બ કોઇ પણ વસ્તુને વરાળમાં ફેરવી શકે એવી તાકાત ધરાવે છે. જીબીયુ-૪૩/બીની જેમ એટીબીઆઇબી પણ વચ્ચે હવામાં ફાટે છે. અત્યંત ઊંચું તાપમાન અને સુપરસોનિક તરંગો જમીન પર રહેલી એકે એક ચીજવસ્તુઓને નેસ્તનાબૂદ કરી નાખે છે. બંને બોમ્બ ફેંકવા માટે મોટા બોમ્બર વિમાનોની જરૂર પડે છે.

અમેરિકાએ પ્રથમ વાર જીબીયુ-૪૩/બીનું પરીક્ષણ ર૦૦૩માં કર્યું હતું. જ્યારે રશિયાએ ફાધર ઓફ ઓલ બોમ્બ્સ એટીબીઆઇપીનું પરીક્ષણ ર૦૦૭માં કર્યું હતું. અમેરિકન સેનાનો દાવો છે કે એટીબીઆઇપી અમેરિકન બોમ્બની તુલનાએ આકારમાં નાનો, પરંતુ તાકાતમાં વધુ પ્રહારક્ષમતા ધરાવે છે. એટીબીઆઇપી અફઘાનિસ્તાનમાં ઉપયોગમાં લેવામાં આવેલ બોમ્બની તુલનાએ બ્લાસ્ટ બાદ બે ગણું વધુ તાપમાન પેદા કરે છે. પરિણામે તેનાથી થનારો વિનાશ પણ અનેકગણો વધુ હોય છે.

અમેરિકન લશ્કરનું માનવું છે કે ફાધર ઓફ ઓલ બોમ્બ્સથી થનારી બરબાદી અને પાયમાલી પરમાણુ બોમ્બ જેટલી જ હોય છે, પરંતુ તેમાં રેડિયેશનનો ખતરો હોતો નથી એટલું જ નહીં એટીબીઆઇપી બોમ્બથી થનારી તબાહીનો દાયરો લગભગ ૩૦૦ મીટર જેટલો હોય છે, જે જીબીયુ-૪૩/બીની ક્ષમતાથી લગભગ બમણો કહી શકાય.
http://sambhaavnews.com/

You might also like