FDIના સુધારાથી શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ સચવાશે

અમદાવાદ: કેન્દ્ર સરકારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નિયમોમાં મોટા પ્રમાણમાં ફેરફાર કર્યો છે. ૧૫ સેક્ટરમાં એફડીઆઇના નિયમોમાં રાહત આપી હળવા બનાવ્યા છે, જેના પગલે આજે સંજે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં શેરબજારનું સેન્ટિમેન્ટ સુધરવાની આશા છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારના નવા નિયમોના કારણે રિયલ્ટી સેક્ટર, બેન્કિંગ, ડિફેન્સ સેક્ટરને સીધો ફાયદો થશે.

સરકારની નવી નીતિ અંતર્ગત બાંધકામ સેક્ટરમાં લઘુતમ એરિયા અને કેપિટલાઇઝેનની શરતો દૂર કરી છે, જેના કારણે નાના બાંધકામ ક્ષેત્રે પણ એફડીઆઇ આવશે. એ જ પ્રમાણે ડિફેન્સ સેક્ટરમાં ૪૯ ટકા સુધીની એફડીઆઇને ઓટોમેટિક રૂટ હેઠળ લાવશે, જે માટે અગાઉ મંજૂરી લેવી પડતી હતી. ૪૯ ટકા કરતા વધારે એફડીઆઇ માટે પણ માર્ગ ખૂલ્યો છે. એફઆઇઆઇ અને એફપીઆઇ ખાનગી બેન્કોમાં ૭૪ ટકા સુધી રોકાણ કરી શકશે.

સરકારના જણાવ્યા પ્રમાણે દેશમાં વધુ રોકાણ આવે તે માટે સરકારે આ કવાયત હાથ ધરી છે. ભારત ૨૦૧૭માં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં વિશ્વના ટોચના ૫૦ દેશમાં સ્થાન મેળવવા માગે છે.

એક દાયકામાં નવ વર્ષમાં મુહૂર્ત ટ્રેડિંગમાં સુધારો
શેરબજારમાં સામાન્ય રીતે મુહૂર્ત ટ્રેડિંગમાં ઝડપી અપ-ડાઉન ઓછું જોવા મળે છે. પાછલા એક દાયકામાં નવ વર્ષમાં મુહૂર્ત ટ્રેડિંગમાં શેરબજાર સુધર્યું છે. વર્ષ ૨૦૧૧માં સેન્સેક્સમાં સાધારણ ૦.૨૭ ટકાનો ઘટાડો નોંધાઇ બંધ થયું હતું, જ્યારે પાંચ મુહૂર્ત ટ્રેડિંગ વર્ષમાં સેન્સેક્સ ૦.૩૦ ટકાના સુધારે બંધ થયો હતો.

You might also like