UP સહિત પાંચ રાજ્યના એક્ઝિટ પોલ પર નજર

નવી દિલ્હી: હવે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યના વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઈ ચૂકી છે, ત્યારે તમામની નજર એક્ઝિટ પોલ અને ૧૧મી માર્ચે આવનારાં પરિણામ પર છે. ચૂંટણી પંચના આદેશ મુજબ એક્ઝિટ પોલ આજે સાંજે ૫.૩૦ કલાક બાદ પ્રસારિત કરાશે. ઉત્તર પ્રદેશમાં અલ્લાપુર વિધાનસભાની બેઠક પર સપાના ઉમેદવાર ચંદ્રશેખર અને ઉત્તરાખંડમાં કર્ણપ્રયાગ વિધાનસભા બેઠક પર બસપાના ઉમેદવાર કુલદીપસિંહનાં નિધન બાદ આ બંને બેઠકની ચૂંટણી મોકૂફ રહી હતી અને આજે આ બંને બેઠક માટે મતદાન જારી છે. આ બંને બેઠક પર મતદાન સમાપ્ત થયા બાદ આજે એક્ઝિટ પોલના આંકડા પ્રસારિત કરાશે.

કુલ ૪૫૮૩ ઉમેદવારની જીત હારનો ફેંસલો ૧૧ માર્ચે થશે. ઉત્તર પ્રદેશ સહિત પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાનાં એક્ઝિટ પોલનાં પરિણામો આજે સાંજે ૫.૦૦ વાગ્યા બાદ પ્રસારિત કરાશે અને તેના પરથી આ રાજ્યમાં કોની સત્તા આવશે. તે લગભગ સ્પષ્ટ થઈ જશે.

ઉત્તર પ્રદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પક્ષની સરકાર રચવા માટે તમામ તાકાત કામે લગાડી દીધી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાન અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને પોતાની તાકાત બતાવી હતી. બસપાના વડા માયાવતીએ પણ પોતાની જીતનો દાવો કર્યો છે.

ઉત્તરાખંડની ૬૯ બેઠક માટે થયેલા મતદાન પર આજે પ્રસારિત થનારી એક્ઝિટ પોલ પર પણ સૌ કોઈની મીટ છે, જ્યારે ગોવા અને પંજાબ વિધાનસભાની બેઠકો માટે થયેલા મતદાન બાદ આજે પ્રસારિત થનારી એક્ઝિટ પોલનાં પરિણામ પર તમામની મીટ છે. ગોવામાં ૪૦ બેઠક માટે ૨૫૦ ઉમેદવાર મેદાનમાં છે. મણિપુરમાં પણ ૬૦ બેઠક માટે ૨૬૬ ઉમેદવાર મેદાનમાં છે.
http://sambhaavnews.com/

You might also like