આર્મી કરતાં RSS સારું, નહેરુએ પણ માંગી હતી મદદઃ ઉમા ભારતી

આર્મી કરતા RSS સારું એવા વિવાદ બાદ ગઈકાલ સુધી સંઘના નેતાઓ સફાઈ આપી રહ્યા હતા, પરંતુ આજે કેન્દ્રીય મંત્રી અને સંઘમાંથી જ રાજકારણમાં ગયેલા સાધ્વી ઉમા ભારતીએ પણ મોહન ભાગવતના નિવેદનનું સમર્થન કર્યું છે.

ઉમા ભારતીએ જણાવ્યું છે કે, ‘આઝાદી બાદ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો, ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ RSS પાસે મદદ માગી હતી. RSSના સ્વયંસેવકો પણ મદદ માટે પહોંચ્યા હતા.’

ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે RSSને આર્મી કરતાં વધુ અનુશાસિત સંગઠન જણાવ્યું હતું. ઉમા ભારતીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘કાશ્મીરના રાજા હરિ સિંહે જમ્મુ-કાશ્મીરની સંધિ પર હસ્તાક્ષર કરી રહ્યા નહોતા અને શેખ અબ્દુલ્લા તેમના પર દબાણ કરી રહ્યા હતા. નહેરુ દુવિધામાં હતા. ત્યારે જ પાકિસ્તાને અચાનક હુમલો કર્યો હતો અને તેમની આર્મી ઉધમપુર સુધી પહોંચી ગઈ હતી. સેના પાસે એટલા શસ્ત્રો હતા નહીં કે તેમની સામે લડી શકે. એવામાં નહેરુએ ગુરુ ગોલવલકર (તત્કાલીન RSS ચીફ એમએસ ગોલવલકર) પાસે સ્વયંસેવકોની મદદ માટે પત્ર લખ્યો હતો. સ્વયંસેવકો મદદ માટે કાશ્મીર ગયા પણ હતા.’

શું કહ્યું હતું મોહન ભાગવતે?
મોહન ભાગવતે 11 ફેબ્રઆરીએ મુઝફ્ફરપુરમાં કહ્યું હતું કે, ‘જો એવી કોઈ સ્થિતિ પેદા થાય અને બંધારણ રજા આપે તો સ્વયંસેવકો મોર્ચે લડવા તૈયાર છે. જે આર્મીને તૈયાર કરવામાં 6-7 મહિના લાગે છે, તે સૈનિકો RSS 3 જ દિવસમાં તૈયાર કરે છે. સંઘ મિલિટ્રી નથી અને મિલિટ્રી સંગઠન પણ નથી, તે એક પારિવારિક સંગઠન છે. તેમ છતાં RSSમાં આર્મી જેવું જ અનુશાસન છે. આરએસએસના સ્વયંસેવકો હંમેશા પ્રાણ આપવા તૈયાર રહે છે.’

You might also like